વડોદરાઃ કેવડિયા ખાતે 20થી 22 ડિસેમ્બર દરમિયાન દેશભરનાં રાજ્યોના પોલીસ વડાઓની પરિષદ એટલે કે ઓલ ઇન્ડિયા ડી.જી. કોન્ફરન્સ યોજાવાની છે ત્યારે આદિવાસી સંગઠનોએ આ ત્રણ દિવસ દરમિયાન બંધનું એલાન આપ્યું છે. આ બંધનું એલાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો વિરોધ કરવા અપાયું છે.
આ કોન્ફરન્સમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી 21 અને 22 ડિસેમ્બરે હાજર રહેવાના છે. આ ઉપરાંત 21 ડિસેમ્બરે નરેન્દ્ર મોદી સરદાર વલ્લભભાઈ પટેલની વિરાટ પ્રતિમા ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ ખાતે આકાર લઈ રહેલા વિશ્વ વનનું લોકાર્પણ કરવાના છે.
જો કે આદિવાસીઓએ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ સહિતના પ્રોજેક્ટ્સમાં પોતાની જમીનો ગુમાવી હોવા છતાં કેન્દ્ર કે રાજ્ય સરકારે તેમને યોગ્ય વળતર નથી આપ્યું તે મુદ્દે કેવડિયામાં મોદીના આગમન સમયે વિરોધ પ્રદર્શન કરાશે. આ ઉપરાંત 20થી 22 ડીસેમ્બર સુધી 3 દિવસ માટે કેવડિયા અને ગરૂડેશ્વર બંધનું એલાન પણ અપાયું છે.
આ બંધનું એલાન આદિવાસી નેતા પ્રફૂલ વસાવાએ આપ્યું છે. વસાવાએ જણાવ્યું કે, નર્મદા ડેમ બાદ સ્ટેચ્યુ ઓફ યુનિટી, ટેન્ટ સિટી, ભારત ભવન અને રેલવે સ્ટેશન જેવા પ્રોજેક્ટ્સમાં આદિવાસીઓએ પોતાની જમીનો ગુમાવી છે અને સંખ્યાબંધ આદિવાસીઓ જમીન વિહોણા થઇ ગયા છે.
આદિવાસીઓએ જમીન ગુમાવી દેતાં હવે ખેતી કરી નહીં શકે અને આદિવાસીઓના અસ્તિત્વ સામે સવાલો ઉભા થઇ રહ્યા છે. આ સંજોગોમાં સરકારની ફરજ છે કે તે આદિવાસીઓને જમીનો આપે પણ સરકાર તેમાં નિષ્ફળ ગઈ છે. તેના વિરોધમાં અમે 20થી 22 ડિસેમ્બર દરમિયાન અસહકાર આંદોલન કરીશું.
વસાવાએ જણાવ્યું હતું કે, આદિવાસીઓ દ્વારા તેમની જમીન ગઇ તે મામલે કેવડિયાથી રાજપીપળા સુધી પદયાત્રાનું આયોજન કરાયું હતું પણ અમને પદયાત્રા કાઢવા દેવામાં આવી નથી. પોલીસે મોદી સરકારના ઇશારે મારા સહિત 3 લોકોની અટકાયત કરી લીધી હતી.
અમે પદયાત્રા કાઢીને માત્ર કલેક્ટરને આવેદનપત્ર આપવાના હતા પણ આવતી કાલથી શરૂ થનારી ડી.જી. કોન્ફરન્સને કારણે અમને પદયાત્રા ન કાઢવા દેવાઇ. અમારા અધિકારોનો આ ભંગ છે તેથી હવે અમે 20થી 22 ડિસેમ્બર દરમિયાન અસહકાર આંદોલન કરીશું. કેવડિયા અને ગરૂડેશ્વર વિસ્તારમાં આદિવાસીઓ સ્વૈચ્છિક રીતે જ બંધ પાળશે.