પંજાબની ગુરદાસપુર લોકસભા સીટ પરથી ભાજપ ઉમેદવાર અભિનેતા સની દેઓલ સોમવારે પોતાનું નોમિનેશન કરવા પહોંચ્યા. સની દેઓલની સાથે ભાઈ બૉબી દેઓલ પણ હાજર રહ્યા. આ દરમિયાન સની દેઓલ બ્લૂ શર્ટ અને પીળી પાઘડીમાં જોવા મળ્યા. ત્યારે ભાઈ બૉબી દેઓલ પણ બ્લેક ટી-શર્ટ અને બ્લેક ચશ્મામાં જોવા મળ્યા. નોમિનેશન દરમિયાન પંજાબ ભાજપ પ્રદેશ અધ્યક્ષ શ્વેત મલિક પણ હાજર રહ્યા.
જણાવી દઈએ કે, ફિલ્મ અભિનેતા સની દેઓલ નોમિનેશન પહેલા અમૃતસરમાં શ્રી હરમંદિર સાહિબમાં માથુ નમાવ્યુ. ત્યાર બાદ તેઓએ પોતાના રાજકીય સફરની શરૂઆત કરી. સની દેઓલે અમૃતસર સ્થિત શ્રી દુર્ગ્યાણા તીર્થના પણ દર્શન કર્યા.
આ પહેલા રવિવારે સની દેઓલે પીએમ નરેન્દ્ર મોદી સાથે દિલ્હીમાં મુલાકાત કરી હતી. અભિનેતા વિનોદ ખન્નાની પરમ્પરાગત સીટ પર એક વાર ફરીથી ભાજપે ફિલ્મી ચહેરા પર દાવ રમ્યો છે.
આ સીટ પર સની દેઓલની ટક્કર પંજાબ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અને ગુરદાસપુરથી સાંસદ સુનીલ જાખડ સાથે છે. સુનીલ જાખડ આ સીટ પરથી ઉપચૂંટણી જીતીને સંસદ પહોંચ્યા હતા.