નવી દિલ્હીઃ ઉમેદવારોની પંસંદગી માટે ભાજપની બેઠક મંગળવારે રાત સુધી ચાલી. દિલ્હી સ્થિત પાર્ટી મુખ્યાલયમાં થયેલી આ બેઠકમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, પાર્ટી અધ્યક્ષ અમિત શાહ, નિતિન ગડકરી, સુષ્મા સ્વરાજ સહિત અન્ય વરિષ્ઠ નેતા હાજર રહ્યા. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, બેઠકમાં ઉત્તર-પૂર્વના સાત રાજ્યો સહિત બિહાર, મહારાષ્ટ્ર, આંધ્ર અને તેલંગાણા માટે ઉમેદવારોના નામ ફાઈનલ કરવામાં આવ્યા છે.
કેન્દ્રીય ચૂંટણિ સમિતિ બુધવારે પણ ઉમેદવારોના નામો પર ચર્ચા કરશે. ઉમેદવારોની યાદી પણ આ જ દિવસે જાહેર કરવામાં આવી શકે છે. આ વચ્ચે, રાષ્ટ્રીય મહાસચિવ અનિલ જૈને કહ્યું કે પાર્ટી છત્તીસગઢમાં પોતના 10 હાલના સાંસદોને ટિકિટ નહીં આપે.
તેઓએ કહ્યું કે કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો. તો એક તરફ ગુજરાત ભાજપે પણ તમામ 26 સીટો માટે સંભવિત ઉમેદવારોના નામ કેન્દ્રીય ચૂંટણી સમિતિને મોકલી દીધા છે.
એક તરફ, કોંગ્રેસે પણ 6ઠ્ઠી યાદી જાહેર કરી દીધી છે. તેમાં કેરળની 2 અને મહારાષ્ટ્રની 7 સીટો પર ઉમેદવારોના નામ નક્કી કરવામાં આવ્યા છે. અત્યાર સુધી કોંગ્રેસ 146 સીટો પર નામ ફાઈનલ કરી ચુકી છે.