લોકસભા ચૂંટણી પહેલા પશ્ચિમ બંગાળ રાજનીતિનો અખાડો બનતુ જઈ રહ્યું છે. બહુચર્ચિત શારદા ચિટફન્ડ કૌભાંડમાં કાર્યવાહીને લઈ સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઈન્વેસ્ટીગેશન અને પશ્ચિંમ બંગાળ સરકાર આમને-સામને છે. સીબીઆઈ વિવાદનો મુદ્દો સોમવારે દેશની સંસદમાં પણ ગુંજ્યો.
જે દરમિયાન લોકસભામાં ગૃહમંત્રી રાજનાથ સિંહ સીબીઆઈ વિવાદ પર જવાબ આપી રહ્યા હતા, ત્યારે વિપક્ષે હંગામો કર્યો. આ દરમિયાન તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના સાંસદ સદનમાં નારા લગાવી રહ્યા હતા, 'CBI તોતા હૈ, તોતા હૈ…તોતા હૈ.'
ખરેખર, સોમવારે જેવી લોકસભાની કાર્યવાહી શરૂ થઈ તો વિપક્ષી પાર્ટીઓએ પશ્ચિમ બંગાળનો મુદ્દો ઉઠાવ્યો અને મોદી સરકાર પર સીબીઆઈનો દુરુપયોગ કરવાનો આરોપ લગાવ્યો. કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી, તૃણમૂલ કોંગ્રેસ સહિત ઘણા વિપક્ષી દળોએ જ્યારે કેન્દ્ર પર આરોપ લગાવ્યો, તો ગૃહ મંત્રી રાજનાથ સિંહ સરકાર તરફથી જવાબ આપવા ઉભા થયા.
ગૃહ મંત્રી રાજનાથ સિંહે કહ્યું કે સીબીઆઈના અધિકારીઓને કલકત્તા પોલીસ દ્વારા તપાસ કરવાથી રોકવામાં આવ્યા. સીબીઆઈને શારદા સ્કેમની તપાસ કરવાની જવાબદારી સુપ્રીમ કોર્ટે આપી છે. સીબીઆઈ અધિકારીઓને કામ કરવાથી રોકવામાં આવ્યા છે, આવી ઘટના પહેલા ક્યારેય નથી થઈ. રાજનાથે કહ્યું કે દેશની કાયદાકીય એજન્સીઓ વચ્ચે આવો ટકરાવ દેશના ફેડરલ અને રાજનીતિક ઢાંચા માટે ઠીક નથી. તેઓએ કહ્યું કે એજન્સીઓને જો કામ કરવાથી રોકવામાં આવશે તો તેનાથી અવ્યવસ્થા પેદા થશે.
વિપક્ષે મોદી સરકારને ઘેરી
લોકસભા અને રાજ્યસભા બંન્ને સદનોમાં જ સીબીઆઈ વિવાદના કારણે હંગામો થયો. લોકસભામાં કોંગ્રેસ નેતા મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે કેન્દ્ર સરકાર CBIને હથિયાર બનાવી તમામ વિપક્ષી નેતાઓને ખતમ કરવા ઈચ્છે છે.
તેઓએ કહ્યું કે, જે પણ અન્યાયના વિરુદ્ધ અવાજ ઉઠાવે છે, તેને દબાવવાના પ્રયત્નો થઈ રહ્યા છે. BJO પોતાની શક્તિ વધારવા માટે CBIનો દુરુપયોગ કરી રહી છે. મલ્લિકાર્જુન ખડગે ઉપરાંત સમાજવાદી પાર્ટી નેતા ધર્મેન્દ્ર યાદવ, TMC સાંસદ સૌગત રાયે પણ મોદી સરકાર પર નિશાન સાધ્યુ.