ગાંધીનગરઃ છેલ્લા કેટલાય દિવસથી કોગ્રેસમાં વરિષ્ઠ નેતાઓમાં રાજ્યની નેતાગીરીને લઇને અસંતોષ હોવાના અહેવાલો સામે આવતા રહ્યા છે. કોગ્રેસના વરિષ્ઠ નેતા અર્જુન મોઢવાડિયાના ઘરે અસંતોષ નેતાઓની ગુપ્ત બેઠક બાદ આ વાતને લઇને વધુ ચર્ચાઓ થવા લાગી હતી.
હવે કોગ્રેસના ધારાસભ્ય અને ઠાકોર સેનાના પ્રમુખ અલ્પેશ ઠાકોર અને તેના અન્ય બે સમર્થક ધારાસભ્યો દિલ્હી જઇ કોગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીને પ્રદેશની નેતાગીરી વિરુદ્ધમાં રજૂઆતો કરી આવ્યા છે.
અલ્પેશ ઠાકોર સહિત ત્રણ ધારાસભ્યોને પક્ષના રાષ્ટ્રીય પ્રમુખ રાહુલ ગાંધીએ મુલાકાત માટે સમય ફાળવ્યો નથી, જોકે દિલ્હીમાં સાંસદ એહમદ પટેલ અને પ્રદેશ પ્રભારી રાજીવ સાતવ સમક્ષ તેઓએ અલગ અલગ બેઠકો કરી હતી. જેમાં રજૂઆત કરવામાં આવી હતી કે ગુજરાત કોંગ્રેસ અત્યારે જે ગતિએ ચાલે છે. તે જોતાં લોકસભાની ચૂંટણીમાં ૨૬માંથી બે બેઠકો પણ મળી શકે તેમ નથી.
અલ્પેશ ઠાકોરની સાથે MLA ધવલસિંહ ઝાલા અને MLA ભરતસિંહ ઠાકોરે સોમવારની રાતે પ્રદેશ પ્રભારી સાતવ અને એહમદ પટેલ સાથે અલગ-અલગ બેઠક યોજી હતી, જેમાં પ્રદેશ કોંગ્રેસ વિરુદ્ધ નારાજગી વ્યકત કરી છે.
બેઠકમાં અલ્પેશ ઠાકોરે કહ્યું હતું કે, સંગઠનમાં તેમની સેનાને જોઈએ તેટલું મહત્વ મળતું નથી. ચૂંટણી સમયે જે આગેવાનોએ પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરી હતી તેમને સંગઠનમાં સામેલ કરાયા છે. એટલુ જ નહીં પરંતુ તેઓને હોદ્દા પરથી હટાવવા જોઇએ. જેના જવાબમાં હાઇકમાન્ડો આ અંગે યોગ્ય ઉકેલ લાવવાનું આશ્વાસન આપ્યું હતું.
સૂત્રોના મતે અગાઉ ધારાસભ્ય અલ્પેશ ઠાકોર રાહુલ ગાંધી સાથે ટેલિફોનિક ચર્ચા કરતાં હતા, જોકે હવે રાહુલ ગાંધી સીધી વાત કરવાનું ટાળે છે, જે કંઈ રજૂઆત હોય તો પ્રભારી સમક્ષ કરવાની સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે. આ કારણસર રાહુલ ગાંધીની બદલે અલ્પેશ ઠાકોરને પ્રભારી સાથે બેઠક કરવી પડી હતી.
લોકસભામાં કોગ્રેસ બે બેઠકો પણ નહીં જીતે તેવી અલ્પેશની દલીલ સામે સ્થાનિક નેતાઓ નારાજ છે. તેમના મતે કોગ્રેસને ૨૦૧૭ના વિધાનસભા પરિણામોના આધારે લોકસભામાં બે નહીં ૧૦ કરતાં વધુ સીટો મળે તેમ છે. અલ્પેશની દલીલ નકામી છે. તેણે ઠાકોર સેનાના નામ પર ચૂંટણી લડવી જોઇતી હતી.