ધરમપુરઃ ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનો ધમધમાટ શરૂ થઈ ગયો છે ત્યારે આજે ગુરૂવારે બપોરે કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ રાહુલ ગાંધી વલસાડ જિલ્લાના ધરમપુર ખાતે ચૂંટણી પ્રચારનો પ્રારંભ કરશે. રાહુલ ગાંધી ધરમપુરના લાલ ડુંગરી મેદાન ખાતે ગુરૂવારે બપોરે એક વાગ્યે જનઆક્રોશ રેલીને સંબોધશે. આ રેલીમાં જંગી માનવ મેદની ઊમટી પડે તેવી વ્યવસ્થા કોંગ્રેસ દ્વારા કરાઈ છે.
રાહુલ ગાંધી ગુજરાતથી કોંગ્રેસના ચૂંટણી પ્રચારનો પ્રારંભ કરાવવાના હોવાથી પક્ષમાં ભારે ઉત્સાહ ફેલાયો છે. આ રેલીમાં લોકો વધારે પ્રમાણમાં ન જાય એટલે આ વિસ્તારમાં બસ સેવા બંધ કરાઈ દેવા હોવાના આક્ષેપ કોંગ્રેસે કર્યા છે. કોંગ્રેસના નેતાઓનો આક્ષેપ છે કે, ભાજપ સરકાર રાહુલ ગાંધીથી ડરી ગઈ હોવાથી આ રસ્તા અપનાવી રહી છે.
રાહુલની સાથે કોંગ્રેસ વર્કિંગ કમિટી (સીડબલ્યુસી)ના સભ્યો પણ ધરમપુર આવશે અને અહીં એક બેઠક પણ યોજાશે. રાહુલ ગાંધી આગામી લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસના પ્રચાર ઝુંબેશનો દબદબાભેર પ્રારંભ કરે તે માટે સમગ્ર ગુજરાત કોંગ્રેસ મચી પડી છે. આ રેલીમાં મોટા પ્રમાણમાં આદિવાસીઓ ઉમટી પડે તેવી શક્યતા છે.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિતત ચાવડા, વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી, પૂર્વ પ્રદેશ પ્રમુખ અર્જુન મોઢવાડિયા, સિદ્ધાર્થ પટેલ, મોહનસિંહ રાઠવા, શૈલેશ પરમાર તેમજ દક્ષિણ ગુજરાતના પક્ષના ધારાસભ્યો અને આગેવાનોઓ છેલ્લા બે દિવસથી જનઆક્રોશ રેલીને સફળ બનાવવા ધરમપુર ખાતે ધામા નાંખ્યા છે.
કોંગ્રેસના પ્રદેશ પ્રવક્તા ડો. મનીષ દોશીએ આ રેલી અંગે જણાવ્યું કે, આજની રેલી ધરમપુરના ઐતિહાસિક લાલ ડુંગરી મેદાનમાં યોજાશે અને આ રેલી સાથે ભાજપ શાસનના અંતનું કાઉન્ટ ડાઉન શરૂ થશે. આ રેલી માટે પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષા સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર અને રાજ્યસભાના સંસદ સભ્ય અહમદ પટેલ બુધવારે અમદાવાદ આવી પહોંચ્યા હતા અને રાત્રે જ ધરમપુર જવા રવાના થઈ ગયા હતા. તેમની સાથે આજની રેલીમાં પક્ષના પ્રદેશ પ્રભારી રાજીવ સાતવ પણ જોડાશે.
કોંગ્રેસ માટે ધરમપુરનું લાલ ડુંગરી મેદાન ઐતિહાસિક પુરવાર થયું છે. આ મેદાન ખાતે અગાઉ ઇન્દિરા ગાંધી, રાજીવ ગાંધી અને સોનિયા ગાંધીએ જે તે સમયની લોકસભાની ચૂંટણી અગાઉ વિશાળ રેલીને સંબોધી હતી. તે પછી કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર બની હોઇ કોંગ્રેસના આંતરિક વર્તુળોમાં લાલ ડુંગરી મેદાનને ‘લકી મેદાન’ તરીકેની ઓળખ મળી છે. રાહુલ ગાંધી દિલ્હી અથવા મુંબઇથી વિમાન માર્ગે સુરત આવીને ત્યાંથી હેલિકોપ્ટર દ્વારા ધરમપુર જશે.