ગાંધીનગરઃ લોકસભાની ચૂંટણી અગાઉ ગુજરાત કોગ્રેસમાં અનેક નેતાઓ નારાજ હોવાના રિપોર્ટ્સ આવતા રહ્યા છે. રાધનપુરના કોગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર કોગ્રેસની નારાજ હોવાની વાત સામે આવી છે. જેને લઇને ઠાકોર સેનાના વડા અને કોગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે નવી દિલ્હી ખાતે કોગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી સાથે બેઠક કરી હતી.
બંન્ને નેતાઓ વચ્ચે ગુજરાતની વર્તમાન રાજકીય પરિસ્થિતિ અને કોંગ્રેસમાં ચાલી રહેલા આંતરિક કહલ અંગે વાતચીત થઈ હતી. રાહુલ ગાંધી સાથેની બેઠક બાદ અલ્પેશ ઠાકોરે કહ્યું હતું કે, રાહુલ ગાંધીએ તેમની વાત યોગ્ય રીતે સાંભળી છે. એટલું જ નહી મને મારી પસંદગીની જવાબદારી નિભાવવાની વાત પણ કરવામાં આવી છે.
સાથે જ અલ્પેશ ઠાકોરે જણાવ્યું હતું કે પક્ષમાં સાચી વાત કરવી તેને ગદ્દારી ન કહી શકાય. રાહુલ ગાંધી સાથેની બેઠક અંગે વધુમાં વાત કરતા અલ્પેશે કહ્યું કે, મે રાહુલ ગાંધીને હાલની ગુજરાતની રાજકીય પરિસ્થિતિ અંગે જાણકારી આપી હતી.
આ ઉપરાંત ગુજરાતમાં કેવી રીતે ચૂંટણી જીતી શકાય, કેવી રીતે તૈયારી કરી શકાય, પાર્ટીને કેવી રીતે મજબૂત કરી શકાય તે તમામ વાતો અંગે વાતચીત થઈ હતી. મેં રાહુલ ગાંધી પાસે ગુજરાતની જવાબદારી સોંપવાની માંગણી કરી છે. જોકે, તેમણે મને તે અંગે વિચારવાની વાત કરી છે અને બિહારની જવાબદારી ચાલુ રાખવાની વાત કરી છે.
ભાજપમાં જોડાવા અંગેના અહેવાલનો જવાબ આપતા અલ્પેશે કહ્યું કે, મને ભાજપ તરફથી કોઇ ઓફર મળી નથી. બીજેપીના કોઈ નેતાએ મારી સાથે ચર્ચા પણ નથી કરી. હું ક્યાંય નથી જઈ રહ્યો. પરંતુ પાર્ટીને વધારે ફાયદો થાય, તેમજ પાર્ટીનું સંગઠન મજબૂત થાય તે માટે આગેવાનોએ કાર્યકરો વતી બોલવું પડે છે.
નેતાગીરી સામે સાચી વાત રજૂ કરવાને બળવો ન કહી શકાય. જો આવું જ થાય તો લોકો સાચી વાત બોલવાનું જ બંધ કરી દે." રાહુલે મને પસંદગીની જવાબદારી આપવાની વાત કરી છે. રાહુલ ગાંધીએ આવી વાત કરી તે મારા માટે ખૂબ મોટી વાત છે.