રામ જન્મભૂમિ-બાબરી મસ્જિદ વિવાદને લઈ કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે મોટુ પગલુ ભર્યું છે. કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી કહ્યું છે કે અયોધ્યામાં જે વિવાદિત સ્થળ પર હિન્દુ પક્ષાકારોને જે જમીન આપવામાં આવી છે, તેને રામજન્મભૂમિ ન્યાસને સોંપી દેવામાં આવે અને બિન-વિવાદાસ્પદ જમીનને ભારત સરકારને સોંપી દેવામાં આવે. જણાવી દઈએ કે આજે જ સુપ્રીમ કોર્ટમાં આ મામલે સુનાવણી થવાની હતી, પરંતુ જસ્ટિસ બોબડેના રજા પર જવાના કારણે સુનાવણી ટળી ગઈ.
મોદી સરકારે સુપ્રીમ કોર્ટને કહ્યું છે કે અયોધ્યામાં હિન્દુ પક્ષકારોને જે ભાગ આપવામાં આવ્યો છે, તે રામ જન્મભૂમિ ન્યાસને આપી દેવામાં આવે. જ્યારે 2.77 એકડ જમીનનો કેટલોક ભાગ ભારત સરકારને પરત આપી દેવામાં આવે.
ઉલ્લેખનીય છે કે અયોધ્યમાં રામજન્મભૂમિ-બાબરી મસ્જિદ જમીન વિવાદના આસપાસની લગભગ 70 એકડ જમીન કેન્દ્ર સરકાર પાસે છે. તેમાંથી 2.77 એકડની જમીન પર અલ્હાબાદ હાઈકોર્ટે નિર્ણય સંભળાવ્યો હતો.
જે જમીન પર વિવાદ છે તે જમીન 0.313 એકડ જ છે. સરકારનું કહેવું છે કે આ જમીનને છોડીને બાકી જમીન ભારત સરકારને સોંપી દેવામાં આવે. મોદી સરકારનું કહેવું છે કે જે જમીન પર વિવાદ નથી તેને પરત સોંપવામાં આવે.
ઉલ્લેખનાય છે કે 29 જાન્યુઆરીએ સુપ્રીમ કોર્ટમાં રામ મંદિર મામલે સુનાવણી થવાની હતી, પરંતુ તે ટળી ગઈ. સુપ્રીમ કોર્ટમાં આ મામલે સુનાવણી પાંચ જજોની પીઠ કરી રહી છે. જેમાં ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ, જસ્ટિસ અશોક ભૂષણ, જસ્ટિસ અબ્દુલ નઝીર, જસ્ટિસ એસ. એ. બોબડે અને જસ્ટિસ ડી વાય ચંન્દ્રચૂંડ સામેલ છે.