લોકસભા ચૂંટણીના દિવસો જેમ-જેમ નજીક આવી રહ્યા છે, અયોધ્યામાં રામ મંદિર નિર્માણનો અવાજ પણ એટલો જ ગુંજી રહ્યો છે. આ કડીમાં વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકારી અધ્યક્ષ આલોક કુમારે બુધવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વલણ સાથે અસહેમતી વ્યક્ત કરતા કહ્યું કે પ્રયાગરાજમાં થનારી ધર્મસંભામાં એ નક્કી થશે કે રામ મંદિર નિર્માણ માટે આગળનો રસ્તો શું હશે.
તેઓએ કહ્યું કે અમે મંદિર નિર્માણ માટે કોર્ટના આદેશની રાહ ન જોઈ શકીએ. ઉચિત એ હશે કે સંસદ દ્વારા કાયદો બનાવીને ભગવાનની જન્મભૂમિ પર ભવ્ય મંદિરનો માર્ગ હવે ખુલ્લો કરવામાં આવે. પરિષદ આ માંગ પુરી થવા સુધી સતત અવાજ ઉઠાવતી રહેશે.
રામ મંદિર નિર્માણમાં આગળની રણનીતિનો નિર્ણય 31 જાન્યુઆરી અને એક ફેબ્રુઆરીએ પ્રયાગરાજમાં કુંભના અવસરે આયોજિત ધર્મસભામાં લેવામાં આવશે. ત્યાંજ એ નક્કી થશે કે આ માંગને પૂરી કરવા માટે અન્ય ક્યાં પગલા ઉઠાવવામાં આવશે. તેઓએ કહ્યું કે મંદિર લાંબા સમયથી કોર્ટમાં લટકેલું છે. આ મામલો 69 વર્ષથી ફસાયેલો છે. સુપ્રીમ કોર્ટમાં હજુ સુધી જજોની બેંચ પણ નથી બની.
તેમને પૂછવામાં આવ્યુ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ સુપ્રીમ કોર્ટના નિર્ણય અને સંવિધાન પ્રમાણે જ મંદિર નિર્માણની વાત કરી છે, તેના પર વીએચપીનું શું કહેવું છે. તેના જવાબમાં તેઓએ અસહેમતિ જતાવતા કહ્યું કે અમે અમારા પ્રયાસ ચાલુ રાખીશું જેથી પીએમ મોદી સહિત સત્તામાં બેઠેલા લોકોનું મન બદલી શકાય. અમે કોર્ટના નિર્ણયની રાહ નથી જોઈ શકતા. સાથે જ અમે મંદિર નર્માણ માટે સંસદમાં કાયદો લાવવા માટે પણ અમે સરકારને આગ્રહ કરતા રહીશું.
એસસી એસટી એક્ટમાં સરકાર દ્વારા કરવામાં આવેલા ફેરફારના સંદર્ભે આલોક કુમારે કહ્યું કે સરકારની પાસે અધિકાર છે કે તે મંદિર નિર્માણ માટે કાયદો બનાવી શકે. મોટા ભાગના સાંસદોએ મંદિર નિર્માણ માટે સંસદ દ્વારા કાયદો બનાવવા માટે સમર્થન કર્યું છે. તેમણે વધુમાં જણાવ્યું હતુ કે, અમે રામ મંદિર નિર્માણને લઈ 350થી વધારે સાંસદો સાથે મુલાકાત કરી છે. તમામ લોકોએ સમર્થન આપ્યું છે.