સીબીઆઈ ડાયરેક્ટરના પદ પર સુપ્રીમ કોર્ટ દ્વારા ફરીથી પુનર્સ્થાપિત કરવાના આદેશ બાદ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ એક વાર ફરીથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર હમલો કર્યો છે. તેઓએ મીડિયા સાથે વાતચીત કરતા કહ્યું કે સીબીઆઈ ડાયરેક્ટર આલોક વર્મા રાફેલ વિમાન ડીલની તપાસ કરવા માંગતા હતા. એ માટે સરકારે તેમને રજા પર મોકલી દીધા.
રાહુલ ગાંધીએ કહ્યું કે નરેન્દ્ર મોદી રાફેલ વિમાન ડીલના સવાલોથી બચી નથી શકતા. આખા દેશની 100 ટકા જનતા તેમની પાસે આ મુદ્દે જવાબ માંગી રહી છે. તેઓએ કહ્યું કે અડધી રાત્રે એક વાગ્યે આલોક વર્માને પદ પરથી હટાવી દેવામાં આવ્યા હતા, જેથી રાફેલ વિમાન કરારની તપાસ શરૂ ન થાય. તેઓએ કહ્યું કે હવે જોવાનું એ રહ્યું કે આગળ શું થાય છે.
તમને ખબર હશે કે રાફેલ વિમાન ડીલ પર રાહુલ ગાંધી સતત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્ર સરકાર પર હમલા કરી રહ્યા છે. રક્ષા મંત્રી નિર્મલા સીતારમન દ્વારા સંસદમાં જવાબ આપવા પર અસંતુષ્ટિ વ્યક્ત કરતા રાહુલ ગાંધીએ કહ્યું હતુ કે કેન્દ્ર સરકાર પાસે કોઈ ઠોસ જવાબ નથી.
એક તરફ, સીબીઆઈ ડાયરેક્ટર મામલે અરૂણ જેટલીએ સરકારનો બચાવ કરતા કહ્યું છે કે વિવાદોના કારણે સીબીઆઈની છબી ખરાબ ન થાય, માટે સરકારે આલોક વર્માને રજા પર મોકલ્યા હતા.