અમદાવાદઃ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય રામસિંહ પરમારે હાઇકોર્ટમાં એફિડેવિટ કરી જણાવ્યું હતું કે, કોંગ્રેસના નેતા અને કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીના સલાહકાર અહેમદ પટેલે રાજ્યસભાની ચૂંટણીમાં તેમને મત આપવા ધારાસભ્યોને ધમકી આપી હતી.
નોંધનીય છે કે રામસિંહ પરમાર ગયા વર્ષે કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાઇ ગયા હતા. રામસિંહ પરમારે આક્ષેપ કર્યો હતો કે, 25 જૂલાઇ 2017ની બેઠકમાં ધારાસભ્યોને છ વર્ષ માટે સસ્પેન્ડ કરવાની ધમકી આપવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટે આ અંગેની સુનાવણી બુધવાર સુધી મુલવતી રાખી હતી. આ કેસમાં જુબાની માટે પૂર્વ ધારાસભ્ય સી કે રાઉલજી હાજર રહેવી તેવી સંભાવના છે.
મળતી જાણકારી અનુસાર, ભૂતપૂર્વ ધારાસભ્ય રામસિંહ પરમારે ગુજરાત હાઈ કોર્ટ સમક્ષ એફિડેવિટ સાથે એવી રજૂઆત કરી હતી કે, તેઓ ઠાસરા બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. 2017માં રાજ્યસભામાં કોંગ્રેસના ઉમેદવાર નક્કી કરવાના હતા ત્યારે વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા તેમજ ધારાસભ્યોને પૂછ્યા સિવાય જ નામો જાહેર કરાયા હતાં. તેને કારણે અસંતોષ હતો.
એકમાત્ર અહેમદ પટેલનું નામ ફાઇનલ થયું હતું. રામસિંહ પરમારના કહેવા પ્રમાણે, સોનિયા ગાંધીના સલાહકાર હોવાના કારણે તેમનું ગુજરાત કોંગ્રેસમાં એકચક્રી શાસન છે. તેઓ છેલ્લી ચાર ટર્મથી ગુજરાતમાંથી રાજ્યસભાના સાંસદ તરીકે ચૂંટાઈ આવતા હતા.
પાંચમી વખત રાજ્યસભા માટે તેમના નામની પસંદગી કરાઇ હતી પરંતુ તે અંગે ધારાસભ્યો સાથે ચર્ચા કરવામાં આવી નહોતી. રામસિંહ પરમારે કહ્યું હતું કે, શક્તિસિંહ ગોહિલ, ભરતસિંહ સોલંકી સહિત અન્યોએ અહેમદ પટેલના ઇશારે તમામ ધારાસભ્યોને ડરાવવા ધમકાવવાનું શરૂ કર્યું હતું.
નોંધનીય છે કે કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયેલાં વિરમગામનાં ભૂતપૂર્વ ધારાસભ્ય ડો. તેજશ્રીબેન પટેલે ગુજરાત હાઈકોર્ટમાં એવો ચોંકાવનારો આક્ષેપ કર્યો કે, તત્કાલિન પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોંલકીએ મને પાર્ટીની બેઠકમાં ધમકી આપી હતી અને તેના કારણે મેં પક્ષ છોડવાનો નિર્ણય લીધો હતો.
તેમણે એવો દાવો પણ કર્યો હતો કે, કોંગ્રેસના નેતાઓ દ્વારા રાજ્યસભાની ચૂંટણીમાં ક્રોસ વોટિંગ ન કરવા માટે પણ ધમકીઓ આપવામાં આવતી હતી. રાજ્યસભામાં અહમદ પટેલની જીતને પડકારતી અરજી પર સુનાવણી દરમિયાન સોમવારે ભૂતપૂર્વ ધારાસભ્ય ડો. તેજશ્રીબેન પટેલની જુબાની લેવાઈ હતી.