ગાંધીનગરઃ ગુજરાતના નાણામંત્રી નીતિન પટેલે ગુજરાત વિધાનસભામાં મંગળવારે ગુજરાત રાજ્યનું વચગાળાનું બજેટ રજૂ કર્યું હતું. આ બજેટમાં નીતિન પટેલે રાજ્યના શહેરોમાં કુલ 75 ફ્લાયઓવર બનાવવાની જાહેરાત કરી છે. આ પૈકી અમદાવાદ, સુરત સહિતના 8 મહાનગરપાલિકાઓના વિસ્તારોમાં 54 અને 21 નગરપાલિકાઓના વિસ્તારોમાં 21 ફ્લાયઓવર બનાવવામાં આવશે.
નીતિને પટેલે જે જાહેરાત કરી છે તે પ્રમાણે રાજ્યના 75 ફ્લાયઓવરમાંથી અમદાવાદમાં 20, સુરતમાં 10, વડોદરામાં 8, રાજકોટમાં 8, જામનગરમાં 3, ભાવનગરમાં 3 અને જૂનાગઢમાં 2 ફ્લાયઓવર બનાવવામાં આવશે.
આ મહાનગરપાલિકાના વિસ્તાર ઉપરાંત દાહોદ, ગોધરા, ભુજ, મહેસાણા, પાટણ, ડીસા, આણંદ, પાલનપુર, બોટાદ, સુરેન્દ્રનગર, પોરબંદર, નડિયાદ, નવસારી, વલસાડ, ભરૂચ, અંકલેશ્વર, વાપી, હિંમતનગર, અમરેલી, મોરબી અને વેરાવળમાં પણ એક-એક ફ્લાયઓવર બનાવવામાં આવશે. આ 21 નગરપાલિકાના વિસ્તારોમાં એક-એક ફ્લાયઓવર બનશે તેથી આ વિસ્તારોમાં ટ્રાફિકની સમસ્યા હળવી થશે.
આ સિવાય અમદાવાદથી શંખેશ્વર સુધી રૂપિયા 20 કરોડના ખર્ચે પગદંડી બનાવવાની જાહેરાત કરાઈ છે. બંને સ્થળો વચ્ચે 103 કિલોમીટર લાંબી પગદંડી બનશે. જૈન સમાજના મહારાજ સાહેબ અને મહાસતીજીના વિહાર માટે આ પગદંડી બનાવાશે. જૈન સાધુઓ અકસ્માતોનો ભોગ ન બને તે માટે આ પગદંડી બનાવાશે.
નીતિન પટેલે એવી જાહેરાત પણ કરી કે, પોલીસ દળમાં આગામી વર્ષમા 9713 જગ્યાઓ ભરવામાં આવશે, જેમાં 551 જેલ સિપાહી હશે. આ ઉપરાંત વૃદ્ધ પેંશન યોજનામાં 50 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. હાલમાં પેન્શન રૂપિયા 500 છે તેને વધારી રૂપિયા 750 કરવામાં આવ્યું છે.
આ ઉપરાંત એશિયાઈ સિંહોનાં સંરક્ષણ માટે રૂપિયા 97.85 કરોડનાં ખર્ચે મોબાઇલ રેસ્ક્યુ, ડ્રોન સર્વેલન્સ, સીસીટીવી નેટવર્ક વિકસાવાશે. મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત 2019-20માં રૂપિયા 2000 કરોડથી વધુના રસ્તા અને પુલોના કામ મંજૂર કરવામાં આવશે. સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના હસ્તકનાં 8 નિગમોની યોજનાઓના વ્યાપ વધારવા માટે રૂપિયા 100 કરોડની સહાયમાં 50 ટકાનો દોઢ ગણો વધારો કરી રૂપિયા 150 કરોડ કરવામાં આવશે.