રાજ્યમાં હાલ મેઘરાજા મહેરબાન છે, ત્યારે હવામાન વિભાગ દ્વારા હજુ આગામી 5 દિવસ ભારે વરસાદ પડવાની આગાહી કરાઈ છે. જો કે છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં 139 તાલુકાઓમાં વરસાદ ખાબક્યો છે. જેમાં સૌથી વધારે ભુજમાં 2.5 ઇંચ, જ્યારે કડી અને સાયલામાં પોણા 2 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો.
જો કે રાજ્યમાં હજુ આગામી 5 દિવસ દરમિયાન વરસાદી માહોલ સર્જાશે એવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં વરસાદી માહોલ વચ્ચે કડી અને સાયલામાં પોણા 2 ઈંચ તેમજ જાફરાબાદ, ઉના, રાજકોટ, સુરત, ધ્રોલ અને જામજોધપુરમાં 1.5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે.
આ સિવાય કામરેજ-ભાણવડ-વેરાવળ-જોટાણામાં 1 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. સાથે જ ટંકારા, વિંછીયા, પાદરા, ખંભાળિયા, થાનગઢ, હાંસોટ, માણસા, સુત્રાપાડા, તલાલા, માંડવી, રાજુલા, કોડીનાર, વાંકાનેર તેમજ પડધરીમાં પોણો ઇંચ જેટલો વરસાદ પડ્યો છે.
ભારે વરસાદની આગાહી
રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા આવતીકાલથી ભારે વરસાદની આગાહી કરાઈ છે. આમ રાજ્યમાં આગામી 5 દિવસ દરમિયાન વરસાદી વાતાવરણ રહેશે. આ અનુસંધાનમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે.
આજે મહેસાણા, પાટણમાં પણ ભારે વરસાદ પડવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. વિરમગામ તેમજ પાલનપુર વિસ્તારમાં પણ ભારે વરસાદ પડે તેવી શક્યતા છે. જ્યારે અમદાવાદ, ગાંધીનગર, વડોદરા વિસ્તારમાં મધ્યમ વરસાદી માહોલ સર્જાશે તેવી આગાહી કરાઈ છે. સીઝનના કુલ વરસાદની વાત કરીએ તો રાજ્યમાં 29 ટકા જેટલો વરસાદ નોંધાયો છે.