નવી દિલ્હીઃ રાજસ્થાન વિધાનસભા ચૂંટણીમાં કોગ્રેસની જીત બાદ હવે સવાલ ઉઠી રહ્યા છે કે અહીં કોને મુખ્યમંત્રી બનાવવામાં આવે. રાજસ્થાન કોગ્રેસ પ્રદેશ અધ્યક્ષ સચિન પાયલટ અને કોગ્રેસ મહાસચિવ અશોક ગેહલોત બંન્ને મુખ્યમંત્રી બનવાના દાવેદાર માનવામાં આવી રહ્યા છે.
જોકે પાયલટ અને ગેહલોત બંન્નેએ આ નિર્ણય પાર્ટીના હાઇકમાન્ડ પર છોડ્યો છે. આજે યોજાયેલી ધારાસભ્યોની બેઠકમાં એ વાત પર સહમતિ બની હતી કે આગામી મુખ્યમંત્રી કોણ બનશે?
કહેવામાં આવી રહ્યું છે કે હાઇકમાન્ડ મુખ્યમંત્રી અંગેનો નિર્ણય કરે તેનો પ્રસ્તાવ ગેહલોતે મુક્યો હતો અને તેને સચિન પાયલટે સમર્થન આપ્યું હતું. સૂત્રોના મતે બે તૃતીયાંશ ધારાસભ્યો સચિન સાથે છે અને બેઠકમાં સચિન-સચિનના નારા લાગ્યા હતા.
નોંધનીય છે કે મંગળવારે કોગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું હતું કે રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં મુખ્યમંત્રીઓની પસંદગી સર્વ સહમતિથી કરવામાં આવશે. રાહુલે કહ્યું કે, અમે મધ્યપ્રદેશ, છત્તીસગઢ, અને રાજસ્થાનમાં ભાજપને હાર આપી હતી.
મુખ્યમંત્રીઓની પસંદગીને લઇને કોઇ મુદ્દો નથી. આ સર્વસહમતિથી કરવામાં આવશે. વાસ્તવમાં કોગ્રેસ અધ્યક્ષને પૂછવામાં આવ્યું કે આ ત્રણેય રાજ્યોમાં મુખ્યમંત્રી કોણ હશે? જેના પર તેમણે આ વાત કરી હતી.
નોંધનીય છે કે રાજસ્થાનમાં પાર્ટીના વરિષ્ઠ નેતા અશોક ગેહલોત અને સચિન પાયલટ મુખ્યમંત્રી બનવાની રેસમાં સામેલ છે. જ્યારે છત્તીસગઢ વિધાનસભામાં વિપક્ષ નેતા ટીએસ સિંહ દેવ, પૂર્વ કેન્દ્રિય રાજ્યમંત્રી ચરણદાસ મહંત, પ્રદેશ પાર્ટી પ્રમુખ ભૂપેશ બઘેલ અને ઓબીસી નેતા તામ્રધ્વજ સાહુ મુખ્યમંત્રીની રેસમાં છે. મધ્યપ્રદેશમાં પ્રદેશ કોગ્રેસ પ્રમુખ કમલનાથ અને પાર્ટીના વરિષ્ઠ નેતા જ્યોતિરાદિત્ય સિંધિયા મુખ્યમંત્રીના પદની રેસમાં સામેલ છે.
રાહુલે કહ્યું હતું કે, પાર્ટીએ ચૂંટણી અગાઉ વિવિધ રાજ્યોમાં પાર્ટીના અંદરના નેતાઓ વચ્ચેના તણાવને દૂર કરવામાં સફળતા મળી હતી. તમામ નેતાઓએ એક થઇને કામ કર્યું અને પાર્ટી ત્રણેય રાજ્યમાં વિજેતા બની ઉભરી છે.
આ જીત કોગ્રેસ પાર્ટીના કાર્યકર્તાઓ, ખેડૂતો, યુવાઓ અને નાના વ્યાપારીઓની જીત છે. હવે કોગ્રેસ પાર્ટીને મોટી જવાબદારી મળી છે. નોંધનીય છે કે છત્તીસગઢમાં કોગ્રેસને સ્પષ્ટ બહુમતી મળી છે. જ્યારે રાજસ્થાનમાં 99 અને મધ્યપ્રદેશમાં 114 બેઠકો મળી છે. બહુજન સમાજ પાર્ટી મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં કોગ્રેસને સમર્થન કરશે.