રાજકોટઃ રાજકોટના ઇશ્વરીયા ગામની 10 એકર જેટલી ગૌચરની જમીન રાજકોટ જિલ્લા ભાજપ યુવા પ્રમુખ પ્રશાંત કોરાટ દ્વારા પોતાના ટ્રસ્ટના નામે કરવામાં આવી છે. ગૌચરની જમીનમાંથી 10 એકર જમીન સવજીભાઇ કોરાટ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટને ફાળવી દેવાના કલેક્ટરના નિર્ણયના વિરોધમાં રાજકોટ જિલ્લાના યુવા ભાજપના મહામંત્રી અને ગામના સરપંચ રોહિત ચાવડા સહિત ગામના લોકો આમરણાંત ઉપવાસ પર બેઠા છે.
ગામ લોકો માંગણી કરી રહ્યા છે કે તેમની જમીન પરત આપવામાં આવે. પાસ નેતા હાર્દિક પટેલ તેમજ રાજકોટના પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરુએ ગામ લોકોની મુલાકાત લીધી હતી તેમજ મદદની પૂરતી ખાતરી આપી હતી.
પાટીદાર નેતા હાર્દિક પટેલે કહ્યું કે મુખ્યમંત્રીએ કહ્યું હતું કે મહેસૂલ ખાતું બહુ ભ્રષ્ટ છે તે વાત અહીં સાબિત થાય છે. ગુજરાતમાં ગૌચરની જમીન લઇ વિકાસના નામના તાયફા કરવામાં આવે છે. આમાં કલેક્ટર અને રાજ્ય સરકારની મિલીભગત જ હોય. જમીન રૂપિયાથી લેવાના બદલે પડાવી લેવાનો કારસો છે. રૂપાણી રાજકોટના જ છે છતાં બાજુમાં આવા નાટક અને કાવતરા થાય છે.
વધુમાં હાર્દિકે કહ્યું કે, ગાયને માતા કહેવાય પરંતુ તેની જમીન આપી દેવામાં આવે છે. ગામના સરપંચને કલેક્ટરના પાવર સાથે સત્તા પર બેસાડવામાં આવ્યો છે. છતાં કોઈ જ ઠરાવ કરી કે મંજૂરી વગર લીધા વગર ગૌચરની જમીન ભાજપના એક ટ્રસ્ટને આપી દેવામાં આવી તે ખૂબ દુઃખની વાત છે. કલેક્ટરે દખલગીરી કરીને આ રોકવું જોઈએ. ભાજપના નેતાઓ ગરીબ નથી કે તેમને ગૌચરની જમીન આપવી પડે.
દરમિયાન ઇશ્વરિયા ગામના સરપંચ રોહિત ચાવડાએ આક્ષેપ કર્યો હતો કે પડધરી તાલુકાના ઇશ્વરિયા ગામના ગૌચરની જમીન સરવે નં.248 પૈકીમાંથી 10 એકર જમીન સવજીભાઇ કોરાટ એજ્યુકેશન ટ્રસ્ટને 8-12-2014થી ફાળવવામાં આવેલી છે. જે ફાળવણી અંગે ગ્રામપંચાયત અને ગ્રામજનોએ લેખિતમાં વાંધો ઉઠાવ્યો હોવા છતાં જમીનની ફાળવણી કરી છે. જે અંગે અધિક સચિવ મહેસૂલ વિભાગ અને કલેક્ટર તંત્રને અનેક ફરિયાદો કરી છતાં કોઇ ઉકેલ લાવવામાં ન આવતા અમે આમરણાંત ઉપવાસ પર બેઠા છીએ.
ઇશ્વરિયા ગામના લોકોની લડતમાં કોગ્રેસના પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરુ પણ પહોંચ્યા હતા. તેમણે ભાજપ સરકાર પર પ્રહારો કરતા કહ્યું કે, રૂપાણી અને નરેન્દ્ર મોદી ફક્ત નામકરણ કર્યા રાખે છે. વિજય રૂપાણી પરિવારના એક ટ્રસ્ટી સહિતના ભાજપના બધા અગ્રણીઓના ટ્રસ્ટની 10 એકર જેવી જમીન ગામને પરત જોઈએ છે. જમીન પરત લેવા માટે ગામલોકો ઉપવાસ પર બેઠા છે અને અમે તેમની સાથે લડત લડીશું."