રાજકોટ : જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીમાં થયેલ મતદાનની મત ગણતરી શરુ થઈ ચુકી છે. જેમાં મોટે ભાગે ભાજપ દ્વારા ક્લિનસ્વિપની સ્થિતી છે. જો કે કેટલીક બેઠકો પર કોંગ્રેસનાં ઉમેદવારોના વિજય પણ થયા છે. જેના કારણે મતગણતરીના કેન્દ્રોની બહાર તમામ પક્ષો દ્વારા પોતાના વિજેતા ઉમેદવાર સાથે ઉજવણી કરવામાં આવી રહી છે.
કોંગ્રેસનો આણંદપર બેઠક પર વિજય થતા કોંગી કાર્યકરોએ ઢોલના તાલે કાર્યકરોએ પૈસા ઉડાડી જીતની ઉજવણી કરી હતી. કાર્યકરોએ અબીલ ગુલાલની સાથે 10-10ની નોટો ઉડાડી હતી. તો બીજી તરફ રાજકોટના બેડી ગામ પર ભાજપની જીત થતા કાર્યકરોએ ખુલ્લે આમ 500-500ની નોટ ઉડાડી જીતની ઉજવણી કરી હતી. જીતનો જશ્ન ઉજવતા ભાજપના કાર્યકરોના ટોળે ટોળા ઉમટ્યા હતા જેથી ચારે તરફ ટ્રાફિકજામ થતાં લોકો પણ પરેશાન થયા હતા.
કોંગ્રેસના ટોળાએ 10-10ની નોટના બંડલ ઉડાડી જીતની ઉજવણી કરી હતી તો તેની સામે ભાજપના કાર્યકરોએ 500-500ની નોટના બંડલ ખુલ્લેઆમ ઉડાડી જીતની ઉજવણી કરી હતી. જ્યાં વિજેતા ઉમેદવાર દ્વારા રસ્તા વચ્ચે વિજયી થવાની ખુશીમાં માસ્ક પહેર્યા વગર કે સોશિયલ ડિસ્ટન્સ રાખ્યા વગર 500-500ની નોટ ઉડાડવામાં આવી હતી. જો કે આમાં પોલીસ પણ મુક પ્રેક્ષક બની હતી. કોઇ પણ કાર્યકર્તા વિરુદ્ધ કાર્યવાહી કે દંડની કાર્યવાહી કરી નહોતી. સામાન્ય જનતા સામે દંડા પછાડતી પોલીસ આ મેળાવડાઓમાં મુક પ્રેક્ષક બની હતી.