રાજકોટ શહેરમાં આગામી તારીખ 13ના રોજ ઇન્દ્રનીલ રાજ્યગુરૂ દ્વારા આયોજિત રેલીનો સોશિયલ મીડિયાના માધ્યમથી છેલ્લા કેટલાક દિવસોથી ભારે વિરોધ થતો જોવા મળી રહ્યો છે. એવામાં આજે સોશિયલ મીડિયામાં પર વધુ એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. કાર્યક્રમમાં આમંત્રિત કરાયેલા યુવા નેતા કનૈયાકુમારના ફોટો પોસ્ટરમાંથી ફાડવામાં આવી રહ્યા છે, જ્યારે વાયરલ થઈ રહેલા વિડિયોમાં એક ત્રાહિત વ્યક્તિ દ્વારા પોસ્ટરને સળગાવવામાં પણ આવી રહ્યું છે.
રાષ્ટ્રવાદી યુવા મંચ દ્વારા સંવિધાન બચાવો દેશ બચાવો રેલીમાં આ ત્રણેય આગેવાનોને આમંત્રણ આપવામાં આવ્યુ છે, જેના પોસ્ટરો શહેરમાં લગાવવામાં આવ્યા છે. રાજકોટ ખાતે આયોજીત આ રેલીમાં પાટીદાર નેતા હાર્દિક પટેલ, ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી તેમજ જેએનયુના નેતા કનૈયાકુમારને આમંત્રણ આપવામાં આવ્યુ છે.
ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક સમયથી આમંત્રિત કરાયેલા ત્રણેય યુવા નેતા હાર્દિક પટેલ, જીજ્ઞેશ મેવાણી તેમજ કનૈયાકુમારના ફોટો પર લાલ ચોકડી કરીને અજ્ઞાત લોકો દ્વારા સોશિયલ મીડિયાના માધ્યમથી આ આગેવાનોનો વિરોધ કરવામાં આવી રહ્યો છે.