જન મન ઈન્ડિયા- સંવાદદાતા
લોકસભાની ચૂંટણી આડે ઝાઝા મહિના બચ્યા નથી. ચૂંટણીની મોસમમાં એક પક્ષમાંથી જીતે એવા ઉમેદવારોને ખેરવવાની ને પક્ષને જીતાડી શકે તેવા નવા મૂરતિયાઓને બાટલામાં ઉતારીને ખેંચી લાવવાની હોડ જામે છે. બધા પક્ષો અત્યારે એ વેતરણમાં લાગેલા છે ત્યારે જ મલયાલમ ફિલ્મોના સુપરસ્ટાર મોહનલાલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા તેથી મોહનલાલ ભાજપમાં જોડાઈ જશે એવી અટકળો તેજ બની છે.
કેરળના પૂરની તબાહી દરમિયાનમોહનલાલની સંસ્થા વિશ્વશાંતિ ફાઉન્ડેશને સારું કામ કરેલું.મોહનલાલસત્તાવાર રીતે મોદીને તેના વિશે માહિતી આપવા મળેલો પણ રાજકારણમાં કોઈ સાચું બોલતું નથી. સંસ્થાની કામગીરીના બહાને મોહનલાલ રાજકીય સોગઠાં ગોઠવવા મોદીને મળવા આવ્યો હોય એવું પણ બને.અત્યારે એવી વાતો થઈ રહી છે કે, આ મુલાકાત ભાજપના માઈ-બાપ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના નેતાઓએ ગોઠવેલી. સંઘના નેતાઓ મોહનલાલને લોકસભાની 2019ની ચૂંટણીમાં થિરૂવનંથપુરમની બેઠક નક્કી કરી નાંખી છે. થિરૂવનંથપુરમમાંથી કોંગ્રેસના દિગ્ગજ નેતા શશી થરૂર સાસંદછે છે. પત્તુ કાપવા સંઘ મોહનલાલને થરૂરની સામે ભિડાવી દેવા માગે છે.
મોહનલાલ ભાજપમાં જોડાશે તો રાજકારણમાં વધારે એક સુપરસ્ટારની એન્ટ્રી થશે. તમિલ સિનેમાના થલાઈવા રજનીકાન્ત રાજકારણમાં કૂદું કૂદું થઈ રહ્યા છે, કમલ હાસને તો રાજકીય પક્ષ પણ બનાવી દીધો ત્યારે મોહનલાલના રૂપમાં રાજકારણને નવો સ્ટાર મળશે.
મોહનલાલ સફળ થશે કે નહીં એ કહેવું મુશ્કેલ છે કેમ કે અત્યાર લગી રાજકારણમાં આવેલા સુપરસ્ટાર્સ માટે કહીં ખુશી, કહીં ગમ જેવી સ્થિતી છે. ઘણા સ્ટાર ફિલ્મોમાં આવ્યા પણ બધા ચાલ્યા નથી. હિન્દી ફિલ્મોના સ્ટાર તો સાવ ચાલ્યા નથી એમ કહીએ તો ચાલે.
હિન્દી સિનેમાના નરગિસ, દેવાનંદ, દિલીપકુમાર, આઈ.એસ. જૌહર વગેરે રાજકારણમાં સક્રિય હતા પણ સીધા ચૂંટણી જંગમાં નહોતા ઉતર્યા. કટોકટીના વિરોધમાં સંખ્યાબંધ હિન્દી સ્ટાર્સ હતા. કિશોર કુમારનાં ગીતો પર તો પ્રતિબંધ પણ મૂકાયેલો. દેવાનંદે અલગ પક્ષ રચવાની જાહેરાત પણ કરેલી પણ એ પક્ષ ન રચાયો ને જનતા પાર્ટીને ટેકો આપીને દેવાનંદે સંતોષ માન્યો.
હિન્દી સ્ટાર્સને રાજકારણમાં લાવવાનું શ્રેય રાજીવ ગાંધીને જાય છે. રાજીવે 1984માં અમિતાભ બચ્ચનસ વૈજ્યંતિમાલા અને સુનિલ દત્તને ટિકીટ આપેલી. ત્રણેય સરળતાથી જીત્યાં પણ બચ્ચન બોફોર્સ કૌભાંડમાં ખરડાયો પછી એવો ભાગ્યો કે આજેય રાજકારણનું નામ નથી લેતો. કોંગ્રેસે 1991માં રાજેશ ખન્નાને દિલ્હીમાં લાલકૃષ્ણ અડવાણી સામે ઉતારેલો. ખન્ના જોરદાર લડત આપીને હાર્યો પણ અડવાણીએ દિલ્હી બેઠક ખાલી કરતાં પેટાચૂંટણીમાં જીતીને ખન્ના સંસદસભ્ય બનેલો. 1991માં રામાયણની સીતા દીપીકા ચિખલિયા અને રાવણ અરવિંદ ત્રિવેદી ભાજપની ટિકીટ પર જીતીને સંસદસભ્ય બનેલાં. મહાભારતનો કૃષ્ણ નીતિશ ભારદ્વાજ જમશેદપુરમાંથી જીતીને સાંસદ બનેલો.
હિન્દી સ્ટાર્સમાં વિનોદ ખન્નાની કારકિર્દી સૌથી લાંબી રહી. વિનોદ ખન્ના ચાર વાર જીત્યા ને અટલ બિહારી વાજપેયી સરકારમાં પ્રધાન પણ બન્યા. એ સિવાય ધર્મેન્દ્ર, હેમામાલિની. જયાપ્રદા, ગોવિંદા, કિરણ ખેર, મૂનમૂન સેન, પરેશ રાવલ, રાજ બબ્બર, શત્રુઘ્ન સિંહા, બાબુલ સુપ્રિયો વગેરે લોકસભાની ચૂંટણી જીતીને સાંસદ બન્યાં. જયા બચ્ચન, દારાસિંહ, મિથુન ચક્રવર્તી, રેખા, શબાના આઝમી, સ્મૃતિ ઈરાની વગેરે સત્તાધારી પક્ષ સાથેની નિકટતાના કારણે રાજ્યસભામાં સભ્ય બન્યાં.
હિન્દી ફિલ્મો સાથે સંકળાયેલી ઘણી સેલિબ્રિટી હારી પણ છે. રામાયણના રામ અરૂણ ગોવિલ, શેખર સુમન, બપ્પી લાહિરી, ગુલ પનાગ, જાવેદ જાફરી, મહેશ માંજરેકર, રાખી સાવંત વગેરે આ કેટેગરીમાં આવે. સંજય દત્ત, અનુપમ ખેર, સુરેશ ઓબેરોય, વિવેક ઓબેરોય,નગમા વગેરે રાજકારણમાં સક્રિય છે પણ ચૂંટણી નથી લડ્યાં.
દક્ષિણ ભારતમાં બીજા પ્રદેશોની સરખામણીમાં ફિલ્મી હસ્તીઓ સત્તા વધારે ભોગવે છે. તમિલનાડુમાં એમ.જી. રામચંદ્રન, કરૂણાનિધી, જાનકી રામચંદ્ર, જયલલિતા એમ ચાર-ચાર ચીફ મિનિસ્ટર્સ એવા આવ્યા કે જેમનાં મૂળ ફિલ્મોમાં હતાં. બીજી તરફ તમિલ સિનેમાના સુપરસ્ટાર અને રેખાના કાકા શિવાજી ગણેશન ના ચાલ્યા. શિવાજી ગણેશને દ્રવિડ સંસ્કૃતિની વાત કરતા ડીએમકેથી રાજકીય કારકિર્દી શરૂ કરેલી.પછીથી તમિલ નેશનલ પાર્ટીમાં જોડાયા હતા. આ પાર્ટી કોંગ્રેસમાં ભળી ગઈ હતી. 1988માં તેમણે ટીએમએમ નામે પાર્ટી બનાવીને રામચંદ્રનનાં વિધવા જાનકી સાથે જોડાણ કરીને ચૂંટણી લડેલા. જયલલિતા સામે ભૂંડી હાર પછી શિવાજી ગણેશનની પાર્ટી પતી ગઈ ને જનતા દળમા ભળી ગયેલી. ગણેશનની જેમ વિજયકાન્તે બનાવેલા ડીએમડીકેને પણ સફળતા નથી મળી. બીજા એક તમિલ ફિલ્મ સ્ટાર સરથકુમારે ઓલ ઈન્ડિયા સમથુવા મક્કાલ કચ્ચી પક્ષ બનાવ્યો એ પહેલાં ડીએમકેની ટિકિટ પર લોકસભાની ચૂંટણી લડેલો પણ હારી ગયેલો.
ભારતમાં ફિલ્મ સ્ટારમાંથી રાજકારણી તરીકે સૌથી સફળ થવાનું શ્રેય એન.ટી.રામારાવને જાય છે. આંધ્ર પ્રદેશમાં વરસોથી કોંગ્રેસનું એકચક્રી શાસન હતું તેરામારાવે તોડ્યું.રામારાવતેલુગુ ફિલ્મોના સૌથી મોટા સુપરસ્ટાર હતા. તેમણે ધાર્મિક ફિલ્મોમાં ભૂમિકાઓ કરીને તેલુગુ પ્રજાના મનમાં લોકોના મનમાં આદરણીય સ્થાન મેળવ્યું હતું. ઈન્દિરા ગાંધીની હત્યા પછી1984માં આખા દેશમાં કોંગ્રેસનું રોલર ફરી વળેલું ત્યારે માત્ર એન.ટી.રામારાવે ઝીંક ઝીલી હતી અને માત્ર આંધ્ર પ્રદેશમાં કોંગ્રેસ જીતી શકી નહોતી.
આંધ્રમાંરામારાવજેવો પ્રભાવ બીજો કોઈ નેતા ઉભો નથી કરી શક્યો. ચિરંજીવી, વિજયાશાંતિ, પવન કલ્યાણ, મોહન બાબુ વગેરે રાજકારણમાં આવ્યાં પણ સત્તાના સર્વોચ્ચ સ્થાને ન પહોંચી શક્યાં. આજે ચંદ્રાબાબુ નાયડુરામારાવના રાજકીય વારસા પર જ મુખ્યમંત્રી છે.
ભારતનાં બીજાં રાજ્યોમાં પણ ફિલ્મી હસ્તીઓ રાજકારણમાં આવી છે ને તેમાંથી ઘણી ચાલી પણ છે. બંગાળમાં મૂનમૂન સેન, દેવ, જયાપ્રદા, સંધ્યા રોય વગેરે ફિલ્મી હસ્તી પણ ચાલી છે. આસામમાં ખૂબસૂરત અંગૂરલતા ડેકા પણ સફળ થયાં છે. કર્ણાટકમાં અત્યારના મુખ્યમંત્રી કુમારસ્વામી પણ ફિલ્મો સાથે સંકળાયેલા છે.
મોહનલાલનું શું થાય છે તે ખબર નથી પણ પહેલાં તેમને રાજકારણમાં આવવા તો દો ?