લોકસભા ચૂંટણી પહેલા કેન્દ્રની મોદી સરકારે સામાન્ય વર્ગને આર્થિક આધાર પર 10 ટકા અનામત આપવા પર મહોર લગાવી દીધી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આ નિર્ણયને ચૂંટણી પહેલાનો માસ્ટરસ્ટ્રોક માનવામાં આવી રહ્યો છે.
આ નિર્ણય અંતર્ગત સરકારી નોકરી અને શિક્ષણના ક્ષેત્રમાં સવર્ણોને આર્થિક આધાર પર 10 ટકા અનામત આપવામાં આવશે. કેબિનેટની મહોર લાગ્યા બાદ આજે બંધારણ સંશોધન બિલને લોકસભામાં રજૂ કરવામાં આવ્યું.
કેન્દ્રીય મંત્રી થાવરચંદ ગેહલોતે સંશોધન બિલને રજૂ કર્યું, બપોર બે વાગ્યા બાદ આ બિલ પર સદનમાં ચર્ચા થશે. જણાવી દઈએ કે ભારતીય જનતા પાર્ટીએ પોતાના તમામ સાંસદોને સદનમાં ઉપસ્થિત રહેવા માટે વ્હિપ જાહેર કર્યું હતુ, જ્યારે કોંગ્રેસે પહેલા જ પોતાના સાંસદો માટે સોમવારે અને મંગળવારે ઉપસ્થિત રહેવા માટે વ્હિપ જાહેર કર્યું હતુ.
સંસદમાં સરકાર સામે મોટા પડકાર
સંસદના શિયાળુ સત્ર સંપૂર્ણ રીતે રાફેલ વિમાન ડીલમાં કથિત ગડબડીને લઈ થઈ રહેલા હંગામા વચ્ચે વિત્યું. હવે આજે સત્રનો છેલ્લો દિવસ છે, એવામાં સરકાર સામે આ બિલને પાસ કરાવવા માટેનો પડકાર છે. તે પણ ત્યારે જે દરમિયાન વિપક્ષ સંપૂર્ણ રીતે આક્રામક છે. સૂત્રોની માનીએ તો મોદી સરકાર આ બિલને પાસ કરાવવા માટે સત્રને આગળ વધારવા માટે પણ વિચાર કરી શકે છે.
ધ્યાન આપવા જેવી વાત એ પણ છે કે જો સરકારે બંધારણ સંશોધન બિલને લાગુ કરાવવું છે તો તેને લોકસભા અને રાજ્યસભા બંન્નેમાં પાસ કરાવવું જરૂરી છે. લોકસભામાં તો એનડીએ સરકારની પાસે બહુમત છે, પણ રાજ્યસભામાં વિપક્ષની સ્તિતિ મજબૂત છે. એવામાં સરકારની અગ્નિપરીક્ષા થવી નક્કી છે.