બિહારના અરરિયામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બટલા હાઉસ કાંડનો ઉલ્લેખ કરતા કોંગ્રેસ પર નિશાન સાધ્યુ. પીએમ મોદીએ કહ્યું કે, વોટ બેંકની રાજનીતિ તે સમયે કરવામાં આવી હતી જ્યારે દિલ્હીના બટલા હાઉસમાં આપણા વીરોએ બોમ્બ ધડાકામાં સામેલ આતંકીઓને માર્યા હતા, પરંતુ આતંકીઓ પર કરાયેલી કાર્યવાહીથી ખુશ થવાને બદલે, કોંગ્રેસના મોટા નેતાઓની આંખમાં આંસુ આવી ગયા હતા, હું પૂછવા માંગુ છું કે શું તે શહીદોનું અપમાન નહોતુ.
પોતાના ભાષણમાં ટુકડા-ટુકડા ગેંગનો ઉલ્લેખ કરતા પીએમ મોદીએ કહ્યું કે કોઈ પણ જાતિ અને પંથ પહેલા આપણે ભારતીય છીએ, આપણી ઓળખ ભારતીય છે. માં ભારતીની સેવા અને સાધનાની આ ભાવના સાથે જ, વીતેલા 5 વર્ષોમાં મે તમારી સેવા કરવાનો પ્રયાસ કર્યો છે.
26/11એ મુંબઈમાં આતંકીઓએ હમલો કર્યો તો કોંગ્રેસ સરકારે સેનાને કંઈ પણ જવાબ આપવાની મનાઈ ફરમાવી હતી. કોંગ્રેસે પાકિસ્તાનથી આવેલા આતંકીઓને જવાબ આપવાની જગ્યાએ હિંદુઓ સાથે આતંકી શબ્દ ચોંટાડવા માટે ષડયંત્ર રચ્યું. યોજના બનાવીને તપાસની આખી દિશા બદલી નાખી.
પીએમ મોદીએ કહ્યું કે અમારી સરકારમાં આતંકવાદી વિરુદ્ધ પહેલા સર્જિકલ સ્ટ્રાઈક થઈ અને પછી એર સ્ટ્રાઈક થઈ. પરિણામ એ આવ્યું કે જે પાકિસ્તાન પહેલા ચોરી અને સીનાજોરી કરતુ હતુ, તે આજે દુનિયામાં જઈને ગુહાર લગાવી રહ્યું છે. ભારતે આતંકીઓને ઘરમાં ઘુસીને માર્યા.
હું આપણા જવાનોના પરાક્રમ પર સવાલ ઉઠાવનારાઓને પડકારું છું કે હિમ્મત છે તો ચૂંટણીમાં જનતા વચ્ચે જાઓ અને પુલવામાના શહીદોનો આપણે જે બદલો લીધો છે તેના પર ચર્ચા કરીને જુઓ, સેનાના પરાક્રમ પર સવાલ પુછીને જુઓ, મારો પડકાર છે કે નહીં પૂછી શકે.