દિલ્હીઃ શુક્રવારે રાત્રે કોંગ્રેસે લોકસભા ચૂંટણી માટે 7મી યાદીમાં 35 ઉમેદવારોના નામ નક્કી કર્યા. એક તરફ, ભાજપે પણ બીજી યાદીમાં 36 ઉમેદવારોની જાહેરાત કરી. કોંગ્રેસ અત્યાર સુધી 181, જ્યારે ભાજપ 220 લોકસભા સીટો પર ઉમેદવારોના નામ નક્કી કરી ચુક્યા છે.
7મી યાદીમાં કોંગ્રેસે રાજ બબ્બરને મુરાદાબાદની જગ્યાએ ફતેહપુર સીકરીથી ઉમેદવાર બનાવ્યા છે. હવે મુરાદાબાદથી શાયર ઈમરાન પ્રતાપગઢી ચૂંટણી લડશે, જ્યારે રેણુકા ચૌધરીને તેલંગાણાની ખમ્મમથી ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે.
બિજનૌર સીટ પરથી ઈન્દ્રા ભટ્ટીની જગ્યાએ નસીમુદ્દીન સિદ્ધીકીને ટિકિટ આપવામાં આવી છે. ફતેહપુર સીકરીમાં રાજ બબ્બર વિરુદ્ધ ભાજપમાંથી રાજકુમાર ચહલ મેદાનમાં છે. જ્યારે, ભાજપે સંબિત પાત્રાને ઓડિશાના પુરીથી ઉમેદાવાર બનાવ્યા છે. ગિરીશ બાપટ પુણેથી ચૂંટણી લડશે.
કોંગ્રેસે 7મી યાદીમાં છત્તીસગઢની 4, જમ્મુ-કાશ્મીરની 3(શ્રીનગર સીટ નેશનલ કોન્ફરન્સ માટે છોડી), મહારાષ્ટ્રની 5, ઓડિશાની 2, તમિલનાડુની 8, તેલંગાણાની 1, ત્રિપુરાની 2, ઉત્તરપ્રદેશની 9 અને પુડ્ડુચેરીની 1 સીટ પર ઉમેદવાર નક્કી કર્યા છે. જ્યારે, ભાજપની બીજી યાદીમાં આંધ્રપ્રદેશની 23, અસમની 1, મહારાષ્ટ્રની 6, મેઘાલયની 1, ઓડિશાની 5 સીટો પર ઉમેદવારોના નામ છે.