વિદેશ મંત્રી સુષ્માં સ્વરાજે કહ્યું કે તેમનું મંત્રાયલ જિન્ના હાઉસના હસ્તાંતરણની પ્રક્રિયામાં છે. મુંબઈ સ્થિત જિન્ના હાઉસના માલિક મૂળ રૂપથી પાકિસ્તાનના સંસ્થાપક મોહમ્મદ અલી જિન્ના હતા. સ્વરાજે કહ્યું કે જિન્ના હાઉસને નવી દિલ્હી સ્થિત હૈદરાબાદ હાઉસ તરીકે ઉપયોગ કરવામાં આવશે.
ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય મંગળ પ્રભાત લોધાએ લખેલા એક પત્રમાં તેઓએ કહ્યું કે મંત્રાલય 'આપણા નામ પર મિલકતની માલિકીને સ્થાનાંતરિત કરવાની' પ્રક્રિયામાં છે. લોધાએ કહ્યું, 'સરકારના આ પગલાથી જિન્ના હાઉસના માલિકીના હક અને તેના ઉપયોગને લઈ ચાલી રહેલો વિવાદ ખતમ થઈ જશે.'
શું છે વિવાદ
જિન્ના હાઉસને લઈ ભારત સરકાર અને જિન્નાના દીકરી દીના વાડિયા વચ્ચે લાંબા સમયથી કાયદાકીય લડાઈ ચાલી રહી હતી. વાડિયાએ વર્ષ 2007માં બૉમ્બે હાઈકોર્ટમાં સંપત્તિના નિયંત્રણને પરત મેળવવા માટે અરજી દાખલ કરી હતી. છેલ્લા વર્ષે નવેમ્બરમાં વાડિયાનું મૃત્યુ થઈ ગયું હતુ.
ઐતિહાસિક ઈમારત છે જિન્ના હાઉસ
જિન્ના હાઉસ 2.5 એકડ જમીન પર વર્ષ 1936માં બનાવવામાં આવ્યું હતું અને આર્કિટેક્ટ ક્લાઉડ બૈટલેએ તેની ડિઝાઈન બનાવી હતી. જિન્ના હાઉસ મહારાષ્ટ્રના મુખ્યમંત્રીના સત્તાવાર નિવાસસ્થાનની સામે છે. સંરક્ષિત વિરાસતનો દરજ્જો પ્રાપ્ત આ ઈમારતમાં વિભાજન પહેલા જવાહરલાલ નેહરુ, મહાત્મા ગાંધી અને જિન્ના વચ્ચે એક મહત્વપૂર્ણ બેઠક થઈ હતી. એક સમય પાકિસ્તાન જિન્ના હાઉસને પોતાનું મુંબઈનું કૉન્સ્યુલેટ બનાવવા માંગતુ હતુ.
પીએમઓએ આપ્યા આદેશ
5 ડિસેમ્બરે લોધાને લખેલા એક પત્રમાં સ્વરાજે લખ્યું, 'મને મુંબઈના જિન્ના હાઉસના સંબંધમાં 5 ઓક્ટોબર 2018એ લખેલો તમારો પત્ર મળ્યો, અને મંત્રાલયના અધિકારીઓ પાસે આ મામલે તપાસ કરાવી.' ત્યાર બાદ પ્રધાનમંત્રી કાર્યાલયે અમને દિલ્હીના હૈદરાબાદ હાઉસમાં ઉપલબ્ધ સુવિધાઓના આધાર પર જિન્ના હાઉસના પુનર્નિમાણ અને નવીનીકૃત કરવાનો નિર્દેશ આપ્યો.' સ્વરાજના પત્રમા એ પણ કહેવામાં આવ્યુ છે કે પીએમઓએ આ પરિયોજના માટે જરૂરી સ્વીકૃતિ આપી દીધી છે. પત્રમાં કહેવામાં આવ્યું છે, 'અમે માલિકીને પોતાના નામ પર સ્થાનાંતરિત કરવાની પ્રક્રિયમાં છીએ.'
હૈદરાબાદ હાઉસ કોનું?
હૈદરાબાદ હાઉસનું નિર્માણ હૈદરાબાદના અંતિમ નિજામ માટે 1928માં કરવામાં આવ્યું હતુ અને આઝાદી બાદ ભારત સરકારે તેનું અધિગ્રહણ કરી લીધું હતુ.