જન મન ઈન્ડિયા- સંવાદદાતા
દેશની 17 મોટી મોટી બેંકોને 9100 કરોડ રૂપિયામાં નવડાવીને રફુચક્કર થઈ ગયેલા વિજય માલ્યા પાછા મેદાનમાં આવ્યા છે. માલ્યાએ ધડાકો કર્યો છે કે, પોતે લંડન જતાં પહેલાં કેન્દ્રીય નાણામંત્રી અરૂણ જેટલીને મળ્યા હતા. માલ્યાના દાવા પ્રમાણે તો તેમણે જેટલી સાથે બેંકોનાં નાણાં પાછાં આપવા મામલે ચર્ચા કરેલી ને તેમની સામે સેટલમેન્ટની દરખાસ્ત પણ મૂકેલી.
માલ્યાના આ ધડાકાએ રાજકીય ગરમીનો માહોલ પેદા કરી દીધો છે, ભાજપ અને કોંગ્રેસ સામસામે આવી ગયાં છે. માલ્યાએ આ ધડાકો કર્યો તેની મિનિટોમાં જ અરૂણ જેટલીએ સોશિયલ મીડિયા પર ખુલાસો કરવો પડ્યો કે, માલ્યાનો દાવો હકીકતની રીતે ખોટો છે કેમ કે 2014થી અત્યાર સુધી મે સત્તાવાર રીતે કદી તેને મળવાનો સમય નથી આપ્યો કે મળ્યો નથી. હું એક વખત સંસદમાંથી નીકળીને મારા રૂમ તરફ જતો હતો ત્યારે જ મને મળી ગયેલા ને ચાલતાં ચાલતાં સેટલમેન્ટ વિશે વાત કરી હતી પણ મેં તેને વચ્ચે જ રોકીને કહ્યું કે, મારી સાથે વાત કરવાનો કોઈ ફાયદો નથી અને આ પ્રસ્તાવ તે બેન્ક સામે રજૂ કરે.
કોંગ્રેસને આ વાત હજમ થઈ નથી. જેટલીએ જ માલ્યાને ભગાડ્યો છે એ વાત કોંગ્રેસે પકડી રાખી છે ને જેટલીના રાજીનામાનું કોરસ શરૂ કરી દીધું છે. સામે ભાજપે પણ માલ્યાને કોંગ્રેસે લોન આપેલી તેથી એ દોષિત છે તેવો સામો વાર કર્યો છે.
માલ્યાના મામલે જે શરૂ થયું એ ગંદુ રાજકારણ છે કેમ કે માલ્યાના મામલે ભાજપ-કોંગ્રેસ બંને ખરડાયેલાં છે. કોંગ્રેસ ભાજપ પર દોષારોપણ કરે છે પણ એ પોતે દૂધે ધોયેલી નથી ને વિજય માલ્યા છૂ થઈ ગયા એમાં કોંગ્રેસનું યોગદાન છે જ. માલ્યાની કબાડેબાજીની વાત આજકાલની નથી. છેક 2012થી માલ્યાની લબાડીની વાતો ગાજે છે. ભાજપની સરકાર તો હમણાં દોઢ-પોણા બે વર્ષથી આવી પણ એ વખતે કેન્દ્રમાં કોંગ્રેસની જ સરકાર હતી છતાં તેણે શું કર્યું ? કંઈ જ નહીં. ગુલામ નબી આઝાદ બેંકોએ મોડો કેસ કર્યો તેની પારાયણ માંડીને બેસી ગયા છે પણ બેંકો તો ચાર વર્ષથી કશું કર્યા વિના હાથ પર હાથ મૂકીને બેસી રહી હતી. એ વખતે કોંગ્રેસ સરકારે કેમ બેંકોને ફરમાન ના કર્યું કે માલ્યા ફરતે ગાળિયો ફિટ કરો ? માલ્યા તો એ વખતે પણ લોન ચૂકવવામાં અખાડા કરતા જ હતા તો પછી કોંગ્રેસીની સરકાર કેમ ચૂપચાપ તમાશો જોયા કરતી હતી ? ભાજપની સરકાર આવી એ પછી બધું વાજતુંગાજતું સામે આવ્યું એ સાચું પણ તેની શરૂઆત તો કોંગ્રેસના શાસનમાં જ થઈ હતી. કોંગ્રેસે ધાર્યું હોત તો એ વખતે જ તે માલ્યાને અંદર કરી શકી હોત પણ તેણે કેમ કશું ના કર્યું ?
બીજું એ કે માલ્યા બધું સંકેલીને ઉડનછૂ થઈ ગયા એ રાતોરાત નથી થયું. માલ્યાએ કિંગફિશર એરલાઈન્સમાં લાખના બાર હજાર કર્યા ને બીજી છીંટબાજીઓમાં રોકાણકારોના રૂપિયાનો ધુમાડો કર્યો પછી એ સમજી ગયેલા કે આપણો ખેલ બહુ નહીં ચાલે ને આજે નહીં તો કાલે આપણું પાપ છાપરે ચડીને પોકારવાનું જ છે. એટલે તેમણે બહુ ચાલાકીપૂર્વક સંકેલો કરવા જ માંડેલો. માલ્યા અત્યારે યુનાઈટેડ બ્રુવરીઝના ચેરમેન છે પણ યુનાઈટેડ બ્રુવરીઝમાં સૌથી વધારે શેર ધરાવતી યુનાઈટેડ સ્પિરિટ કંપનીમાં મોટો હિસ્સો બ્રિટનની કંપની ડિયાગિયોનો છે. જોની વોકર અને બેઈલીઝ જેવી બ્રાન્ડ ધરાવતી ડિયાગિયોને પોતાના શેર વેચીને રોકડી કરવાનો ખેલ માલ્યાએ મે 2010માં શરૂ કરી જ દીધેલો. તેમણે ધીરે ધીરે ડિયાગિયોને 5235 કરોડ રૂપિયાના શેર વેચ્યા છે ને તેના કારણે અત્યારે યુનાઈટેડ બ્રુવરીઝમાં ડિયાગિયોનો હિસ્સો 36 ટકાની આસપાસ છે.
માલ્યા એ રીતે યુનાઈટેડ સ્પિરિટમાં પોતાના શેર વેચીને બહુ પહેલાં નવરા થઈ ગયેલા. 2012 સુધીમાં તો યુનાઈટેડ સ્પિરિટ પરથી તેમનો કંટ્રોલ પણ જતો રહેલો ને એ શોભાના ગાંઠિયા જેવા ચેરમેન બનીને રહી ગયેલા. માલ્યાએ આ બધા શેર વેચી વેચીને જે રૂપિયા ઉભા કર્યા એ બધા તેમણે વિદેશભેગા કર્યા છે. માલ્યાએ આ બધું રાતોરાત કર્યું નથી ને તેની શરૂઆત કોંગ્રેસના શાસન વખતે જ થયેલી. આ બધું કરવા માટે સત્તાવાળાની મંજૂરી જોઈએ જ. સેબીથી માંડીને નાણાં મંત્રાલય સુધી બધેમાલ્યાએ શેર વેચ્યા તેની ફાઈલ ગઈ હશે. એ મંત્રાલયોએ મંજૂરી આપી હશે પછી જ એ સોદા થયા હશે. હવે એ વખતે તેમને કોંગ્રેસે રોક્યા નહીં ને હવે કોંગ્રેસ ભાજપ પર દોષનો ટોપલો ઢોળે ત્યારે કૂડું કથરોટને હસતું હોય એવું લાગે.
ભાજપની સરકારનો વાંક નથી એવું નથી. કેન્દ્રમાં પોણા બે વર્ષથી ભાજપવાળા બેઠા છે ને તેમણે ધાર્યું હોત તો માલ્યાને પકડીને અંદર કરી જ શક્યા હોત. કોંગ્રેસે કંઈ ના કર્યું તો કંઈ નહીં પણ ભાજપ માલ્યાને રોકી શક્યો હોત ને એવી ચાકી ફિટ કરી શક્યો હોત કે માલ્યાએ જે પણ માલ ખાધો છે તે બધો ઓકી નાંખવો પડે. ભાજપે ગમે તે કારણોસર એ ના કર્યું ને માલ્યા સરળતાથી ભાગી ગયા. માલ્યા ભાગી ગયા પછી મોદી સરકારના નાણાં પ્રધાન અરૂણ જેટલીએ ફિશિયારી મારેલી કે માલ્યાને પકડીને પાછા લાવીશું ને તેમની પાસેથી પાઈએ પાઈ ઓકાવી લઈશું. એ વાતને પણ બે વર્ષ કરતાં વધારે થઈ ગયું ને છતાં કશું થયું નથી.
માલ્યા ભાગી ગયા તેમાં સીબીઆઈનું પણ યોગદાન છે. માલ્યા સામેની લૂકઆઉટ નોટિસમાં પહેલાં માલ્યા દેશ છોડીને ભાગી જાય તો તેમને રોકવાની વાત હતી. પછી તેમાં ફેરફાર થઈ ગયો ને માલ્યા ભાગતા હોય તો ખાલી જાણ કરવાનું ફરમાન આવી ગયું. સીબીઆઈએ આ ફેરફાર કોને ઈશારે કર્યો એ સવાલનો જવાબ કોઈની પાસે નથી. સીબીઆઈ ચિઠ્ઠીની ચાકર છે ને જેની સત્તા હોય તેની કુરનિશ બજાવે છે. અત્યારે ભાજપની સરકાર છે તેથી તેના ઈશારે આ ફેરફાર કરાયો હોય એ શક્ય છે. એવું ના થયું હોય તો પણ ભાજપ સત્તામાં છે તેથી તેની નૈતિક જવાબદારી છે જ.
ભાજપ ને કોંગ્રેસ અત્યારે જે રમે છે એ લોકોને બેવકૂફ બનાવવાની રમત છે. આ રમતમાં જે લોકોને બેવકૂફ વધારે બનાવી શકશે એ જીતશે.