મહેસાણાઃ મહેસાણા જિલ્લાના ઉંઝાનાં ધારાસભ્ય આસા પટેલે ધારાસભ્યપદેથી રાજીનામું આપ્યું તેના પડઘા હજુ શમ્યા નથી ત્યાં મહેસાણા જિલ્લામાં વધુ એક ધારાસભ્યે આશાબેનવાળી કરવાની ચીમકી આપી છે. બહુચરાજીના કોંગ્રેસના ધારાસભ્ય ભરતજી ઠાકોરે મહેસાણા જિલ્લા કોંગ્રેસ સંગઠન સામે આક્રોશ દાખવીને રાજીનામું આપવાની આપી ચીમકી આપી છે.
ભરતજી ઠાકોરે કહ્યું કે, મહેસાણા જિલ્લા કોંગ્રેસ સંગઠન નહીં સુધરે તો મારા રૂપમાં જિલ્લામાં વધુ એક ધારાસભ્ય રાજીનામું આપવા મજબૂર થશે. ભરતજી ઠાકોરે જિલ્લા કોંગ્રેસ સંગઠનને નિશાન બનાવતાં કહ્યું કે, અત્યારે જે રીતે સંગઠન કામ કરે છે એ પ્રકારે જ કામ કરતું રહેશે તો લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસને મોટો ફટકો પડશે.
બહુચરાજીના ધારાસભ્ય ભરતજી ઠાકોરે રાજીનામું આપવાની ચીમકી આપતાં મહેસાણા જિલ્લા કોંગ્રેસમાં ચાલી રહેલી જૂથબંધી ખુલ્લી પડી છે. ધારાસભ્ય ભરતજી ઠાકોર અલ્પેશ ઠાકોર જૂથના ગણાય છે જ્યારે મહેસાણા કોંગ્રેસમાં હાલ અમીત ચાવડા જૂથના કીર્તિસિંહ ઝાલાનું પ્રભુત્વ છે. મહેસાણા જિલ્લા કોંગ્રેસ પ્રમૂખ ઝાલાની નીતિઓના કારણે આશાબેન પટેલ, જીવાભાઈ પટેલ, પ્રહલાદભાઈ પટેલ તેમજ અન્ય કેટલાક પાટીદાર નેતા નારાજ થઈને કોંગ્રેસ છોડી ચૂક્યા છે.
મહેસાણા કોંગ્રેસનો વિવાદ વિધાનસભાની ચૂંટણીથી શરૂ થયો હતો. મહેસાણા કોંગ્રેસ ત્રણ જૂથમાં વહેંચાયેલી છે. જિલ્લા પ્રમુખ કીર્તિસિંહ ઝાલા, ઠાકોર સેના અને જયદીપસિંહ ડાભી એ ત્રણ મુખ્ય જૂથો છે. કોંગ્રેસ શાસિત તાલુકા પંચાયતો, જિલ્લા પંચાયત અને નગર પાલિકામાં મુખ્ય હોદ્દા મેળવા ત્રણેય જૂથ વચ્ચે લડાઈ ચાલે છે. મહેસાણા જિલ્લામાં કોંગ્રેસ જિલ્લા પ્રમુખ પાટીદારોને અન્યાય કરતા હોવાના કારણે કોંગ્રેસના પાટીદાર નેતાઓ નારાજ છે.
કોંગ્રેસ શાસિત મહેસાણા નગરપાલિકાના વહીવટમાં શહેર કોંગ્રેસ પ્રમુખ અને જિલ્લા પ્રમુખ દખલ કરતા હોવાના કારણે અન્ય કોંગ્રેસી નારાજ છે. આ કારણે જ આશાબેન પટેલ છેલ્લા ઘણા સમયથી મહેસાણા જિલ્લા કોંગ્રેસની એક પણ સભા કેં મીટિંગમાં હાજર નહોતા રહેતા.
બહુચરાજીના ધારાસભ્ય ભરતજી ઠાકોર પણ મહેસાણા જિલ્લા કોંગ્રેસથી લાંબા સમયથી નારાજ છે. મહેસાણા જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ કીર્તિસિંહ ઝાલા મનમાની કરતા હોવાના આક્ષેપ થયા છે. આ ઉપરાંત કોંગ્રેસમાં આંતરિક ભષ્ટાચારના પણ આક્ષેપો થયા છે.