સુરતઃ વડાપ્રધાન મોદી સુરતમાં ટેન્ક સૈન્યને અર્પણ કર્યા બાદ સેલવાસ પહોંચ્યા હતા. અહીં મોદીએ 150 સીટ ધરાવતી મેડિકલ કોલેજનું ખાતમૂહર્ત કર્યું હતું. તે સિવાય અનેક યોજનાનું લોકાર્પણ કર્યું હતું. વડાપ્રધાન મોદીએ અહીં આયોજીત સભાને સંબોધી હતી. વડાપ્રધાન મોદીની ભાષણની શરૂઆતમાં લોકોએ ભારત માતા કી જયના નારા લગાવ્યા હતા.
વડાપ્રધાન મોદીએ કહ્યું હું અહીં પ્રથમવાર આવ્યો નથી. હું દમણ અને દીવના ગામડાઓમાં ફર્યો છું. અગાઉ સ્કૂટર પર ફરવાની તક મળી છે. આજે અહીં 1400 કરોડ રૂપિયા કરતાં વધારેનાં પ્રજાલક્ષી કામનું લોકાર્પણ થયું છે.
દાનહ સંઘ પ્રદેશના પ્રશાસક પ્રફુલ્લ પટેલ દ્વારા વડાપ્રધાનને પરંપરાગત પાઘડી પહેરાવીને સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ કોંગ્રેસ પ્રમુખે પણ સ્વાગત કરતાં અનેક અટકળો વહેતી થઈ હતી. વડાપ્રધાને મહાગઠબંધન પર પ્રહારો કરતાં કહ્યું કે, કોંગ્રેસને ગાળો દેનારા હવે પોતાની જાતને બચાવવા એક થયા છે. જે મારા વિરુધ્ધ નહીં દેશ વિરુદ્ધ ગઠબંધન કરી રહ્યાં છે.
વધુમાં મોદીએ કહ્યું કે, અગાઉની સરકારના પાંચ વર્ષમાં 25 લાખ મકાનો બનતા હતા જે અમારી સરકારે સવા કરોડ મકાનો બનાવ્યા છે. આગામી લોકસભા ચૂંટણીને લઇને ભાજપ વિરુદ્ધ બની રહેલા મહાગઠબંધન પર પ્રહાર કરતા મોદીએ કહ્યું કે, આ લોકો પોતાને બચાવવા માટે એક થઇ રહ્યા છે. અમે ખોટા કામ કરનારાઓની ઉંઘ હરામ કરી નાખી છે. મારી વિરુદ્ધ કોલકત્તામાં આખી જમાત એકઠી થઇ છે. આ મોદી વિરુદ્ધ નહી પરંતુ જનતાની વિરુદ્ધમાં છે. આ લડાઇ જનતા અને ગઠબંધન વચ્ચેની છે.
આ કાર્યક્રમમાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ મોહન ડેલકર પણ હાજર રહ્યાં હતાં. મોહન ડેલકરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વાગત કર્યું હતું. જેથી અનેક અટકળો શરૂ થઈ હતી. મોહન ડેલકર માજી સાંસદ રહી ચુક્યાં છે. મોદીએ કહ્યું કે, હું સૌનો સાથ સૌનો વિકાસ લઇને ચાલ્યો છું. પક્ષ માટે મરતા અનેક લોકો હશે પણ અમે તમારા માટે સમર્પિત છીએ. જે પશ્ચિમ બંગાળમાં રાજકીય પાર્ટીને કાર્યક્રમો કરવા માટે પ્રતિબંધ લગાવે છે તે લોકો લોકતંત્રની વાતો કરે છે.
આ સવાસો કરોડ દેશવાસીઓ જ મારો પરિવાર છે. આ મહાગઠબંધન માત્ર મોદી વિરુદ્ધ જ નહિ, પણ દેશની જનતાની વિરુદ્ધ પણ છે. તેમની દુનિયા તેમનો પરિવાર, ભાઈ-ભત્રીજાને આગળ વધારવામાં કેન્દ્રિત છે. મારી દુનિયા મારા સવાસો કરોડ લોકો આગળ વધે તે માટે જ છે. આયુષ્યમાન યોજનાની ચર્ચા આખા દેશમાં થઈ રહી છે. લોકો તેને મોદી કેર કહી રહ્યાં છે. હજી તેને 100થી વધુ દિવસો જ થયા છે, પણ તેમાં 7 લાખ ગરીબ મજૂરોની સારવાર થઈ છે.