2019માં થનારી લોકસભા ચૂંટણીને લઈ બિહારની રાજનીતિમાં ગરમાહો વધી રહી છે. વિપક્ષી મહાગઠબંધનની સંભાવનાઓ સતત થતી જઈ રહી છે. પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ભાજપના સહયોગી રહેલા રાષ્ટ્રીય લોક સમતા પાર્ટીના વડા ઉપેન્દ્ર કુશવાહા વિપક્ષના મહાગઠબંધનમાં સામેલ થઈ ગયા છે.
તેને લઈ કુશવાહા, રાષ્ટ્રીય જનતા દળ (રાજદા) નેતા તેજસ્વી યાદવ, શરદ યાદવ તેમજ બિહારના પૂર્વ મુખ્યમંત્રી જીતનરામ માંઝી આજે ઑલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટીના દિલ્હી સ્થિત કાર્યાલય પહોંચ્યા. વરિષ્ઠ કોંગ્રેસ નેતા અહમદ પટેલ પણ અહીં હાજર રહ્યા.
બિહાર રાજનીતિમાં અહેમ દખલ રાખનારા આ નેતાઓની કોંગ્રેસ સાથેની આ મુલાકાત 2019માં થનારી લોકસભા ચૂંટણીને લઈ ભાજપ વિરુદ્ધ બની રહેલા મહાગઠબંધનના નિર્માણમાં મહત્વની ભૂમિકાઓ નિભાવી શકે છે.
થોડા સમય પહેલા ત્રણ રાજ્યોમાં શાનદાર પ્રદર્શન કરનારી કોંગ્રેસ માટે પણ લોકસભા ચૂંટણીમાં સારુ પ્રદર્શન કરવા માટે સારી તક હોઈ શકે છે. પાંચ રાજ્યોમાં થયેલી વિધાનસભા ચૂંટણીના પરિણામોથી કોંગ્રેસ આમ પણ ઉત્સાહમાં છે.
જણાવી દઈએ કે આ પહેલા બિહારમાં મહાગઠબંધ માટે સીટ વહેંચણીનો ફોર્મ્યૂલા તૈયાર કરી લેવામાં આવ્યો છે. રાજદ નેતા તેજસ્વી યાદવે આ વિશે કહ્યું હતુ કે કેટલીક ચીજો સાંજ સુધીમાં સ્પષ્ટ થઈ જશે. તેઓએ કહ્યું હતુ કે મહાગઠબંધન માટે ઉપેન્દ્ર કુશવાહાને પણ આમંત્રિત કરવામાં આવ્યા છે. પ્રાદેશિક પક્ષોને કચડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. અહીં સુધી કે લોક જનશક્તિ પાર્ટી પણ મોદીજીના ગઠબંધનથી ખુશ નથી.