ગાંધીનગરઃ લોકસભા ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે ભાજપ અને કોંગ્રેસ સહિતના તમામ પક્ષો પ્રજાને ખુશ કરવામાં લાગી ગયા છે. લોકોની સામે એકબીજાને નીચુ બતાવવામાં કોઇપણ પક્ષ એક પણ તક ચૂકતો નથી પરંતુ ચૂંટાયેલા પ્રજાના પ્રતિનિધીઓને પોતાના લાભની વાત આવે છે ત્યારે એક થઇ જાય છે.
રૂપાણી સરકારે નિર્ણય લીધો છે કે જો ધારાસભ્યો બીમાર પડશે તો તેમની સારવાર માટે 15 લાખ રૂપિયા સુધીનો ખર્ચ રાજ્ય સરકાર ભોગવશે. એટલુ જ નહી મંત્રી અને ધારાસભ્યો ખાનગી હોસ્પિટલમાં પણ સારવાર મેળવી શકશે.
ધારાસભ્યોની રજૂઆતને પગલે રાજ્ય સરકારે લીલીઝંડી આપી છે અને આરોગ્ય વિભાગે ધારાસભ્યોની સારવારની ખર્ચ મર્યાદામાં વધારો કર્યો છે. નોંધનીય છે કે, ગત વિધાનસભા સત્રમાં મંત્રી અને ધારાસભ્યોના પગારભથ્થામાં વધારો કર્યો હતો.
સરકારના આ નિર્ણયને લઇ સોશિયલ મીડિયામાં વિરોધના સૂર ઉઠ્યા છે. પ્રજાની મુશ્કેલીઓ દૂર કરવાની વાત આવે છે ત્યારે સરકાર પાસે પૈસા હોતા નથી પરંતુ કોંગ્રેસ અને ભાજપ સાથે મળીને સરકારી ખજાનાને લૂંટી રહી હોય તેવું લાગી રહ્યું છે. તાજેતરમાં ધારાસભ્યોએ રજૂઆત કરી હતી કે સારવાર પોલિસીમાં સુધારો કરવો જોઇએ.
વર્ષ ૨૦૧૬માં જાહેર કરાયેલી પોલીસીમાં રાજ્ય આરોગ્ય વિભાગે સુધારો કર્યો છે. આરોગ્ય વિભાગે ધારાસભ્યોની સારવારની ખર્ચ મર્યાદામાં વધારો કર્યો છે. બીમાર ધારાસભ્યો ખાનગી હોસ્પિટલમાં પણ સારવાર લઇ શકશે. હવે ધારાસભ્યો અને તેમના પરિવારના સભ્યો બીમાર પડે તો તેમને 15 લાખ રૂપિયા સુધીનો ખર્ચ સરકાર કરશે.
મહત્વનું છે કે પૂર્વ ધારાસભ્યોને પણ આ પોલીસીનો લાભ મળશે. હવે ધારાસભ્યો અને તેમના પરિવારજનો બિમાર પડે તો 15 લાખ રૂપિયા સુધીનો ખર્ચ સરકાર ઉઠાવશે. મોટાભાગના ધારાસભ્યો બિમાર પડે તો સરકારી હોસ્પિટલમાં સારવાર લેવાનુ ટાળે છે.
નોંધનીય છે કે ગયા વર્ષે ભાજપ સરકારે ગુજરાતના ધારાસભ્યો, કેબિનેટ મંત્રીઓના પગારમાં વધારો કર્યો હતો. ધારાસભ્યોને મળતો રૂપિયા 70,700 રૂપિયાનો પગાર વધારીને 1.16 લાખ રૂપિયા કરી દેવામાં આવ્યો હતો.
એ જ પ્રમાણે કેબિનેટ મંત્રીઓનો પગાર વધારીને 1.32 લાખ રૂપિયા કરી દેવામાં આવ્યો હતો જે પહેલા 86800 રૂપિયા પગાર હતો. ઉપરાંત ધારાસભ્યો અને મંત્રીઓને મળતા દૈનિક ભથ્થામાં પણ વધારો કરવામાં આવ્યો હતો. દૈનિક મળતા ભથ્થું 200માંથી વધારો કરીને એક હજાર રૂપિયા કરી દેવામાં આવ્યો હતો. આમ પ્રજાના પૈસે ધારાસભ્યો જલસા કરી રહ્યા છે.