મધ્યપ્રદેશની ભોપાલ સીટ પરથી ભાજપની ટિકિટ પર સાધ્વી પ્રજ્ઞા સિંહની ચૂંટણી લડવાનું લગભગ નક્કી છે. બુધવારે સાધ્વી પ્રજ્ઞાએ ભાજપ જોઈન કર્યું. સાધ્વીને પૂર્વ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણની હાજરીમાં ભાજપમાં સભ્યપદ અપાવવામાં આવ્યું. આ પહેલા સવારે શિવરાજની આગેવાનીમાં ભાજપ નેતાઓની મીટિંગ થઈ હતી.
ભાજપ જોઈન કર્યા બાદ સાધ્વી પ્રજ્ઞાએ કહ્યું કે ચૂંટણી લડીશ અને જીતીશ. તેઓએ કહ્યું કે કોઈ પડકાર નથી મારા માટે, હું ધર્મ પર ચાલનારી છું. હું સાંજે પરત આવી રહી છું. મારી સાથે જે કંઈ પણ થયું તે પણ જણાવીશ, જણાવી દીઈએ કે, કોંગ્રેસે આ સીટ પરથી દિગ્વિજય સિંહને ટિકિટ આપી છે.
સાધ્વી પ્રજ્ઞાએ કહ્યું હતુ, ધર્મયુદ્ધ લડવા માટે તૈયાર છું
આ પહેલા એક પ્રતિષ્ઠિત ન્યૂઝ ચેનલ સાથે સાધ્વી પ્રજ્ઞાએ વાતચીત કરતા કહ્યું હતુ કે જો સંગઠનનો આદેશ હશે તો તે ધર્મયુદ્ધ લડવા માટે તૈયાર છે. તેઓએ કહ્યું હતુ કે અત્યાર સુધીમાં કિંગમેકરની ભૂમિકામાં હતી પરંતુ હવે સંગઠનના આદેશ પર કિંગ બનવું પડ્યું તો તેના માટે તૈયાર છું.
સાધ્વીએ કહ્યું હતુ કે જે દિગ્વિજય સિંહે હિન્દૂ ધર્મને આખા વિશ્વમાં બદનામ કર્યો, ભગવા ધ્વજને આતંકવાદનું રૂપ જણાવ્યું, અધ્યાત્મ અને ત્યાગમય જીવન પર આક્ષેપ કર્યા અને રાષ્ટ્રધર્મને કલંકિત કર્યા, તેમના વિરુદ્ધ જો મારે ચૂંટણી લડવી પડે તો પાછી નહીં પડુ.
માલેગાવ બોમ્બ વિસ્ફોટના કારણે આવી ચર્ચામાં
સાધ્વી પ્રજ્ઞા, મધ્ય પ્રદેશના એક મધ્યમવર્ગીય પરિવારમાંથી આવે છે. પારિવારિક પૃષ્ઠભૂમિના કારણે તે સંઘ તેમજ વિહિપ સાથે જોડાયા અને પછી બાદમાં સન્યાસ લઈ લીધો. 2008માં થયેલા માલેગાવ બોમ્બ વિસ્ફોટમાં તેમની શંકાના આધારે ધરપકડ કરવામાં આવી. તાજેતરમાં જ તે દોષમુક્ત થયા છે.