રાયપુરઃ લાંબા સમય સુધી રાહ જોયા બાદ આખરે છત્તીસગઢના મુખ્યમંત્રીના નામની જાહેરાત કરી દેવામાં આવી છે. ભૂપેશ બઘેલ રાજ્યના આગામી મુખ્યમંત્રી હશે. મધ્યપ્રદેશ, રાજસ્થાન બાદ છત્તીસગઢના મુખ્યમંત્રીના નામની જાહેરાત કરવામાં કોગ્રેસે ખૂબ મનોમંથન કર્યું હતુ. છત્તીસગઢમાં બે નહીં પરંતુ ચાર-ચાર દાવેદાર હતા પરંતુ અંતમાં ભૂપેશ બઘેલે બાજી મારી હતી. ભૂપેશ બઘેલ આજે શપથગ્રહણ કરશે.
ભૂપેશ બઘેલે કહ્યું કે રાજ્યમાં ખેડૂતો, યુવાનો, મહિલાઓ, નાના વ્યાપારીઓ પર ધ્યાન અપાશે. તેમણે કહ્યું કે, ઝીરમ ઘાટી મામલામાં ફાઇલો ફરી ખોલાશે. આ મામલામાં તપાસ અમારી પ્રાથમિકતા છે. તેમણે કહ્યું કે, રાહુલજીએ ખેડૂતોને આપેલું દેવામાફીનું વચન અમારી સરકારની પ્રાથમિકતા છે.
ભૂપેશ બઘેલે શુક્રવારે સવારે કહ્યું હતું કે, ધારાસભ્યોની સહમતિથી નિર્ણય લેવામાં આવ્યો છે કે મુખ્યમંત્રી નામ પર પાર્ટી હાઇકમાન્ડ નિર્ણય લેશે. 90 વિધાનસભા ધરાવતા છત્તીસગઢમાં કોગ્રેસે 68 બેઠકો જીતી છે.
ભૂપેશ બઘેલના નેતૃત્વમાં કોગ્રેસે આ ચૂંટણી લડી હતી. પાર્ટીના એક સૂત્રએ જણાવ્યું હતું કે, બઘેલે જમીની સ્તર પર કામ કરવાની સાથે સાથે કેન્દ્ર અને રાજ્યના નેતાઓ સાથે સમન્વય કર્યું. પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ તરીકે બઘેલે સારી મહેનત કરી છે.
મધ્યપ્રદેશના દુર્ગમાં 23 ઓગસ્ટ 1961ના રોજ જન્મેલા ભૂપેશ બઘેલે 80ના દાયકામાં કોગ્રેસ સાથે રાજકીય કરિયરની શરૂઆત કરી હતી. દુર્ગ જિલ્લામાં જ તે યુથ કોગ્રેસ અધ્યક્ષ બન્યા. તે 1990થી 1994 સુધી જિલ્લા યુવક કોગ્રેસ કમિટિ દુર્ગના અધ્યક્ષ રહ્યા.
મધ્યપ્રદેશ હાઉસિંગ બોર્ડના 1993થી 2001 સુધી ડિરેક્ટર રહ્યા. 2000માં જ્યારે છત્તીસગઢ અલગ રાજ્ય બન્યું ત્યારે તે પાટન સીટ પરથી વિધાનસભા પહોંચ્યા હતા. આ દરમિયાન તે કેબિનેટ મંત્રી પણ બન્યા. 2003માં કોગ્રેસે સત્તા ગુમાવી ત્યારે ભૂપેશને વિપક્ષના ઉપનેતા બનાવાયા હતા. 2014માં તેમને છત્તીસગઢ કોગ્રેસના અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા ત્યારથી તેઓ આ પદ પર છે.
ભૂપેશ બઘેલે લાંબા સમય સુધી પાર્ટી માટે રસ્તા પર સંઘર્ષ કર્યો છે. તેમણે રમનસિંહ સરકાર સાથે સાથે પાર્ટીથી અલગ થયેલા અજીત જોગી તરફથી મળેલા પડકારનો સામનો કર્યો. કુર્મી ક્ષત્રીય પરિવારથી સંબંધ ધરાવતા બઘેલ રાજ્યમાં પાર્ટીની જીત પર કહી ચૂક્યા છે કે રાહુલ ગાંધીએ તેમને છત્તીસગઢમાં કોગ્રેસને બહુમતી અપાવવાની જવાબદારી સોંપી હતી અને તેમણે એ કરી બતાવ્યું છે.