અમદાવાદઃ ભાજપના નેતા અને પૂર્વ ધારાસભ્ય જયંતિ ભાનુશાળી હત્યા કેસમાં મોટો ખુલાસો થયો છે. અંગત અદાવતમાં મહારાષ્ટ્રના શાર્પશૂટરને ટીપ આપીને હત્યા કરવામાં આવી હોવાની પોલીસને શંકા છે. એવી શંકા રાખવામાં આવી રહી છે કે હત્યાને અંજામ આપવા માટે ટ્રેન કોચમાં ચાર લોકો આવ્યા હોઇ શકે છે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, હત્યામાં મહારાષ્ટ્રનો ભાઉ નામનો શાર્પશૂટર હોવાની શંકાના આધારે પોલીસ હાલ મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશમાં તપાસ કરી રહી છે. ટૂંક સમયમાં હત્યારાઓ પોલીસની પકડમાં આવી જાય તેવો પોલીસને વિશ્વાસ છે. પોલીસને કેટલાક શંકાસ્પદ લોકોના સીસીટીવી ફૂટેજ અને કોલ ડિટેઇલ મળી છે. જેના આધારે આરોપી સુધી પહોંચવા માટે પોલીસને એક પછી એક કડી મેળવી રહી છે.
પોલીસને શંકા છે કે ભાનુશાળીની હત્યામાં તેને નજીકથી ઓળખતો વ્યક્તિ સામેલ હોઇ શકે છે. પોલીસને આ શંકાના આધારે ભાનુશાળીના ત્રણ ફોનની કોલ ડિટેઇલ મેળવી છે. તેમાંથી પણ પોલીસને કેટલીક મહત્વની કડી મળી હોવાનું જાણવા મળી રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે પૂર્વ ધારાસભ્ય જયંતિભાઈ ભાનુશાળીની સોમવારે મધરાત્રે રાત્રે 2 કલાકની આસપાસ સયાજીનગરી એક્સપ્રેસમાં હત્યા કરવામાં આવી હતી. જયંતિભાઈ ભૂજથી અમદાવાદ જઇ રહ્યા હતા.
ટ્રેન જેવી માળિયા પાસે પહોંચી કે અજાણ્યા શખ્સોએ ફર્સ્ટ ક્લાસ AC (H1) કોચમાં ઘૂસીને તેમના પર ફાયરિંગ કર્યું હતું. આ હત્યા માટે ભાનુશાળીનાં પરિવારજનોએ ભાજપના જ અન્ય નેતા છબિલદાસ પટેલ પર આક્ષેપ કર્યો છે.
જયંતિ ભાનુશાળીની હત્યાની તપાસ માટે રેલવે પોલીસે ખાસ સીટની રચના કરી હતી. પોલીસ જયંતિ ભાનુશાળીની પૂર્વ મહિલા મિત્ર મનીષા પર નજર રાખી રહી છે. કારણ કે જયંતિ ભાનુશાળીની હત્યા બાદ તે રહસ્યમય રીતે ગુમ થઇ ગઇ છે.
આ અંગે તેના પતિએ પણ જણાવ્યું હતું કે તેની પત્ની ક્યાં છે તે અંગે તેને કોઈ જ જાણકારી નથી. આ દરમિયાન એક પોલીસ અધિકારીએ દાવો કર્યો છે કે ટ્રેનમાંથી બેગ લઈને ભાગેલો એક શૂટર સીસીટીવીમાં કેદ થઈ ગયો છે, તેમજ તેની ઓળખ પણ કરી લેવામાં આવી છે.