ગાંધીનગરઃ ભાજપના પૂર્વ ધારાસભ્ય જયંતિ ભાનુશાળી હત્યા મામલે પોલીસને સફળતા મળી છે. આ કેસમાં સીઆઇડી ક્રાઇમે સૂરજિત ભાઉ તથા શેખર નામના વ્યક્તિને ઝડપી લીધા છે. ભાનુશાળીની હત્યા મુદ્દે એટીએસ અને સીઆઇડી ક્રાઇમની ટીમોએ ભૂજમાં ધામા નાખ્યા હતા.
રેલવે સ્ટેશન, હાઈવે અને શહેરના સીસીટીવી ફૂટેજ તેમજ રિઝર્વેશન ચાર્ટ સહિતના પુરાવા મેળવવામાં આવ્યા હતા. જયંતી ભાનુશાળીની અંતિમવિધિમાં આવેલા મનજીબાપુને ભાનુશાળી પોતાના ગુરુ માનતા હતા. પોલીસે તેમને સીસીટીવી ફૂટેજ બતાવ્યા હતા. જેના આધારે તેમણે પૂનાના સૂરજિત ભાઉને ઓળખી બતાવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, ગઈકાલે જ તપાસમાં ભાઉ નામના શાર્પ શૂટરનું નામ ખૂલી ગયું હતું. ભાનુશાળીની હત્યાના મામલે ગુજરાત બહાર ગયેલી SITની એક ટીમને મોટા પુરાવા હાથ લાગ્યા છે. ટ્રેનના કોચમાં હત્યાને અંજામ આપવા કુલ 4 લોકો આવ્યા હોવાનું સામે આવતા ટીમે મહારાષ્ટ્રમાં તપાસનો દોર લંબાવ્યો હતો.
અમદાવાદમાં રહેતા જયંતી ભાનુશાળી ભુજની સંસ્થાઓ સાથે જોડાયેલા હતા. દરમિયાન તેઓ ગત તા. 3 જાન્યુઆરીના રોજ રાતા તળાવ ટ્રસ્ટ તથા સ્કૂલના કાર્યક્રમમાં હાજરી આપવા ભુજ ગયા હતા. ભાનુશાળીની હત્યાના કેસમાં તેમના ભત્રીજા સુનીલે મૂળ વાપીમાં રહેતી મનીષા ગોસ્વામીને પણ આરોપી ગણાવી છે. મનીષાએ ભાનુશાળી સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી.
જોકે, બાદમાં તેમના વચ્ચે સમાધાન થયું હતું. તે સિવાય ફરિયાદમાં જેમને આરોપી તરીકે દર્શાવ્યા છે તેવા જયંતી જેઠાલાલ ઠક્કરનું પોલીસે ગુરુવારેની રાત્રે નિવેદન લીધું હતું.
ભાનુશાળીના ભત્રીજા સુનિલે તેના કાકાની હત્યામાં સામેલ હોવા અંગે દર્શાવેલા છ શકમંદમાંથી એક એવા પત્રકાર ઉમેશ પરમારે તેને ખોટી રીતે કેસમાં સંડોવાયો હોવાની રજૂઆત કરી સુનીલ ભાનુશાળી સામે એટ્રોસિટી એક્ટ હેઠળ ગાંધીધામ રેલવે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
પોલીસને શંકા છે કે ભાનુશાળીની હત્યામાં તેને નજીકથી ઓળખતો વ્યક્તિ સામેલ હોઇ શકે છે. પોલીસને આ શંકાના આધારે ભાનુશાળીના ત્રણ ફોનની કોલ ડિટેઇલ મેળવી છે. તેમાંથી પણ પોલીસને કેટલીક મહત્વની કડી મળી હોવાનું જાણવા મળી રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે પૂર્વ ધારાસભ્ય જયંતિભાઈ ભાનુશાળીની સોમવારે મધરાત્રે રાત્રે 2 કલાકની આસપાસ સયાજીનગરી એક્સપ્રેસમાં હત્યા કરવામાં આવી હતી. જયંતિભાઈ ભૂજથી અમદાવાદ જઇ રહ્યા હતા.
ટ્રેન જેવી માળિયા પાસે પહોંચી કે અજાણ્યા શખ્સોએ ફર્સ્ટ ક્લાસ AC (H1) કોચમાં ઘૂસીને તેમના પર ફાયરિંગ કર્યું હતું. આ હત્યા માટે ભાનુશાળીનાં પરિવારજનોએ ભાજપના જ અન્ય નેતા છબિલદાસ પટેલ પર આક્ષેપ કર્યો છે.