ગાંધીનગરઃ ભાજપના પૂર્વ ધારાસભ્ય જયંતિ ભાનુશાળી હત્યા કેસમાં પૂર્વ ધારાસભ્ય છબીલ પટેલનું નામ બહાર આવતા ભાજપમાંથી તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ભાજપે છબીલ પટેલને પ્રાથમિત સભ્ય પદેથી સસ્પેન્ડ કર્યા છે. જયંતિ ભાનુશાળી હત્યા કેસમાં છબીલ પટેલ અને મનીષા ગોસ્વામીના નામનો એસઆઇટીએ ખુલાસો કર્યો છે.
છબીલ પટેલ અને મનીષા ગોસ્વામીએ જયંતિ ભાનુશાળીને મારવાનો પ્લાન બનાવ્યો હતો અને આ માટે પૂણેથી શાર્પશૂટ બોલાવવામાં આવ્યા હતા. મળતી વિગતો અનુસાર, જયંતિ ભાનુશાળીની હત્યામાં છબિલ પટેલનું નામ બહાર આવતા ભાજપે આખરે છબીલ પટેલને ભાજપમાંથી સસ્પેન્ડ કર્યા છે.
ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીની સૂચના બાદ કચ્છ જિલ્લાના પૂર્વ ધારાસભ્ય છબીલ પટેલને તાત્કાલિક અસરથી ભારતીય જનતા પાર્ટીના પ્રાથમિક સભ્ય પદેથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
એસઆઇટીએ ખુલાસો કર્યો હતો કે જયંતિ ભાનુશાળીની હત્યા કરનારા શાર્પશૂટર્સ છબીલ પટેલનાં ફાર્મહાઉસમાં રોકાયા હતા. એસઆઇટીએ આ મામલે નીતિન પટેલ અને રાહુલ પટેલની પણ ધરપકડ કરી છે. ભચાઉ કૉર્ટે નીતિન અને રાહુલ પટેલના 1 ફ્રેબ્રુઆરી સુધીનાં રીમાન્ડ મંજૂર કર્યા હતા.
પોલીસના મતે ભાનુશાળીની હત્યાની તપાસ કરતા પોલીસને શાર્પશૂટરના સીસીટીવી ફોટો હાથ લાગ્યા હતા જેમાં શાર્પશૂટર્સ અશરફ શેખ અને શશીકાંત કામ્બલે સામખિયાળી ટોલ ટેક્સના સીસીટીવીમાં કેદ થયા હતા.
હત્યા બાદ બંન્ને આરોપી અન્ય કાર બદલીને ફરાર થઇ ગયા હતા. જયંતિ ભાનુશાળી અને મનીષા વચ્ચે અણબનાવ હતો. સેક્સ સીડીઓ લીક કરવા મામલે મનીષા અને તેના સાગરીતો જયંતિ ભાનુશાળીને બ્લેકમેઇલ કરતા હતા.
જોકે બાદમાં સમાધાન કરવામાં આવ્યું હતું. બીજી તરફ ભાનુશાળી અને છબીલ પટેલ વચ્ચે પણ અણબનાવ હતો જેને લઇને મનીષા અને છબિલ પટેલે સાથે મળીને ભાનુશાળીની હત્યાની યોજના બનાવી હતી.
નોંધનીય છે કે જયંતિ ભાનુશાળી આઠમી જાન્યુઆરીના રોજ ભુજથી સયાજીનગરી એક્સપ્રેસ મારફતે અમદાવાદ નરોડા ખાતે આવેલા તેમના ઘરે આવી રહ્યા હતા. તે દરમિયાન રાત્રે હત્યારાઓએ સૌપ્રથમ ભાનુશાળી જે કેબિનમાં મુસાફરી કરી રહ્યા હતા તેનો દરવાજો ખખડાવ્યો હતો. જયંતિ ભાનુશાળીએ દરવાજો ખોલતા હત્યારાઓએ તેમના પર પાંચ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું.