અમદાવાદઃ ભાજપના પૂર્વ ધારાસભ્ય અને કચ્છ ભાજપના નેતા જયંતિ ભાનુશાળીની હત્યાના કેસમાં પૂણેના સૂરજીત ભાઉ અને એક શાર્પ શુટર પોલીસના સકંજામાં આવી ગયા હતા. ભાનુશાળીની હત્યાના કારણે પરિવારજનોએ પોલીસ સુરક્ષાની માંગણી કરી છે.
ભાનુશાળીના પરિવારજનોના કહેવા પ્રમાણે અજાણી વ્યક્તિઓ દ્ધારા મુંબઇથી ફોન પર મારી નાખવાની ધમકીઓ હોવાના કારણે તેમના પર જીવનું જોખમ છે જેને કારણે તેઓને પોલીસ સુરક્ષા આપવામાં આવે. જયંતી ભાનુશાળીનો પરિવાર પોલીસ પ્રોટેક્શન માટે રેલવે એસપી ઓફિસ ખાતે પહોંચ્યો હતો.
પરિવારજનોએ અરજી કરી પોલીસ સુરક્ષા માંગી હતી. આ સંદર્ભે પોલીસે અરજી સ્વીકારી છે. પોલીસ જયંતી ભાનુશાળીના અમદાવાદ અને કચ્છના ઘરે પોલીસ સુરક્ષા આપશે.
નોંધનીય છે કે, ભાનુશાળીની હત્યામાં જેના પર શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે તેવી મનિષા ગોસ્વામીને કચ્છમાંથી પકડવામાં પણ પોલીસને સફળતા મળી છે. મનીષાની અટકાયતને પગલે તેના પતિ ગજુ ગોસ્વામીની તબિયત લથડી છે.
મળતી વિગતો અનુસાર, ભાનુશાળીના પરિવારજનોના કહેવા પ્રમાણે, મુંબઇથી અજાણી વ્યક્તિ ફોન પર મારી નાખવાની ધમકી આપી રહ્યો છે. તેમણે આ અંગે પોલીસ ફરિયાદ પણ નોંધાવી છે.
પોલીસે ભાનુશાળીની હત્યા મામલે સૂરજિત ભાઉ તથા શેખર નામના વ્યક્તિને ઝડપ્યા હતા. સાથે મૂળ વાપીની મનીષા ગોસ્વામીની પણ કચ્છમાંથી અટકાયત કરી હતી. જયંતિ ભાનુશાળી હત્યા કેસમાં જયંતિ ઠક્કરની પણ પૂછપરછ થઇ રહી છે.
અબડાસા તાલુકાના ડુમરા ગામના વતની જયંતિ ઠક્કર અને ભાનુશાળી વચ્ચે મિત્રતા હતી. બાદમાં જમીનોના વ્યવહારોના કારણે બન્નેના સંબંધોમાં તિરાડ પડી હતી. છેલ્લે ભાનુશાળીની સેક્સસીડી બહાર આવી ત્યાં સુધી બન્ને વચ્ચે દુશ્મનાવટ હતી. બાદમાં અચાનક જ સમાધાન થઈ ગયું હોવાનો પ્રચાર ઠક્કર દ્વારા કરાતો હતો.
ઉલ્લેખનીય છે કે સયાજીનગરી એક્સપ્રેસ ટ્રેનમાં જયંતી ભાનુશાળી એચ-1 કોચમાં મુસાફરી કરી રહ્યા હતા. તે દરમિયાન રાત્રે 12.55 વાગ્યે બે પૈકી એક હત્યારાએ જોરજોરથી દરવાજો ખખડાવતા જયંતી ભાનુશાળીએ દરવાજો ખોલ્યો હતો. તેમની અને હત્યારાઓ વચ્ચે ગુજરાતી ભાષામાં રકઝક થઈ હતી. બાદમાં હત્યારાઓએ ભાનુશાળીની ગોળી મારી હત્યા કરી ત્યાંથી ફરાર થઇ ગયા હતા.