ગાંધીનગર: રાજ્ય સરકારે કોંગ્રેસના ધારાસભ્યોના આંદોલન સામે ઝૂકીને સૌરાષ્ટ્રમાં માણાવદર અને ઉપલેટાના ખેડૂતોને ભાદર 2 ડેમનું પાણી સિંચાઈ માટે આપવાનો નિર્ણય લીધો છે. રાજ્ય સરકારના નિર્ણયની જાહેરાત કરતાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું કે, માણાવદરમાં રાજ્ય સરકાર 3 પાણ પાણી આપશે જ્યારે ઉપલેટામાં 4 પાણ અપાશે. તેમણે કહ્યું કે, બંને વિસ્તારોમાં એક-એક પાણ ઓછા કર્યા છે અને 25 ડિસેમ્બરથી ખેડૂતોને પાણી આપવાનું ચાલુ કરી દેવાશે.
હાલમાં આ ડેમમાં પાણીની સ્થિતિને ધ્યાનમાં લઈને ઓછાં પાણ આપવાનો નિર્ણય કર્યો છે પણ આ નિર્ણયથી માણાવદર તથા ઉપલેટાનાં 26 ગામોને લાભ મળશે તેમ તેમણે ઉમેર્યું હતું. આ બંને વિસ્તારના ખેડૂતોએ ભાદર 2 સિંચાઈ યોજનામાંથી ખેડૂતોને સિંચાઈ માટે પાણીની માંગ સાથે આંદોલન ચલાવ્યું હતું.
માણાવદરના ધારાસભ્ય જવાહર ચાવડા અને ધોરાજીના ધારાસભ્ય લલિત વસોયાની આગેવાનીમાં વિસાવદર તથા ઉપલેટાના ખેડૂતોએ ઉગ્ર આંદોલન ચલાવ્યું હતું. બંને ધારાસભ્યો આ મુદ્દે ધરણાં પર પણ બેઠા હતા. આ આંદોલન સામે સરકારે ધ્યાન નહોતું આપ્યું પણ ગઈ કાલે લલિત વસોયાએ જાહેરાત કરી હતી કે, 20 ડિસેમ્બરના રોજ ઉપલેટા તાલુકાના ખેડૂતો ભાદર 2 ડેમનું પાણી બોટલમાં ભરીને મુખ્ય મંત્રી કાર્યાલય પર મોકલશે. આ જાહેરાત બાદ સરકાર જાગી હતી.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ધોરાજીના ધારાસભ્ય લલિત વસોયા અને માણાવદરના ધારાસભ્ય જવાહર ચાવડાને ભાદર 2 ડેમમાંથી પાણી આપવાના મુદ્દે ચર્ચા કરવા આજે બોલાવ્યા હતા. તેમણે આ અંગે નીતિન પટેલ સાથે ચર્ચા કરવા જણાવ્યું હતું.
રૂપાણીની આ પહેલના કારણે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સાથે કોંગ્રેસ ધારાસભ્ય જવાહર ચાવડાએ આજે ચર્ચા કરી હતી. સિંચાઇ રાજ્ય મંત્રી પરબત પટેલ પણ બેઠકમાં હાજર રહ્યા હતા. લલિત વસોયા જસદણ વિધાનસભા બેઠકની ચૂંટણીમાં વ્યસ્ત હોવાને કારણે માત્ર માણાવદરના ધારાસભ્ય જવાહર ચાવડા પ્રતિનિધિ મંડળ સાથે આ બેઠકમાં હાજર રહ્યા હતા.