અમદાવાદ: ગુજરાતમાં ભાજપના નેતાઓની તબિયત લથડવાનો સિલસિલો શરૂ થયો હોય તેમ શુક્રવારે વહેલી સવારે ગુજરાત ભાજપના મહામંત્રી અને મુખ્ય પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યાને હાર્ટ એટેક આવતાં હોસ્પિટલમાં દાખલ કરાયા હતા અને એન્જીયોપ્લાસ્ટી કરવાની ફરજ પડી હતી. હાલ તેમની તબિયત સ્થિર હોવાનું કહેવાય છે.
ભરત પંડ્યાને ગુરૂવારે મોડી રાત્રે બે વાગ્યાની આસપાસ હૃદય રોગનો હુમલો આવ્યો હતો. મોડી રાત્રે તેમણે છાતીમાં દુઃખાવો થતો હોવાની ફરિયાદ કરતાં જ પરિવારજનોએ રાત્રે 2 વાગ્યે તેમને સ્ટર્લિંગ હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા.
સ્ટર્લિંગ હોસ્પિટલમાં હાજર ડોક્ટરોએ હાર્ટ એટેક હોવાનું નિદાન કરીને પ્રાથમિક સારવાર આપી હતી અને સ્પેશિયાલિસ્ટ ડોક્ટરની હોસ્પિટલમાં ખસેડવાની સલાહ આપી હતી. તેના પગલે તેમને તાત્કાલિક સ્ટર્લિંગ હોસ્પિટલમાંથી એપેક્ષ હોસ્પિટલ ખસેડાયા હતા.
એપેક્ષ હોસ્પિટલમાં હાર્ટ સ્પેશિયાલિસ્ટ ડો. તેજસ પટેલ દ્વારા તેમને તપાસાયા હતા અને પ્રાથમિક સારવાર કરવામાં આવી હતી. ડો. તેજસ પટેલે તેમની એન્જીયોગ્રાફી કરી હતી. તેમની એન્જીયોગ્રાફીના રીપોર્ટ આવ્યા બાદ તાત્કાલિક તેમની એન્જ્યોપ્લાસ્ટી કરાઈ હતી.
આ ઓપરેશન સફળ રહ્યું હતું અને હાલમાં તેમની તબીયત સ્થિર છે, તેમ એપેક્ષ હોસ્પિટલનાં સૂત્રોએ જણાવ્યું છે. હાલ ભરત પંડ્યા સંપૂર્ણ સ્વસ્થ છે પણ સાવચેતી ખાતર હજુ બે દિવસ સુધી તેમને ઈન્ટેન્સિવ કેર યુનિટ (આઈસીયુ)માં ઓબ્ઝર્વેશનમાં રખાશે.
ગુજરાત ભાજપના પાયાના કાર્યકર તરીકે શરૂ કરીને પ્રદેશ કાર્યાલય મંત્રી અને પછી ધારાસભ્યપદ સુધી પહોંચનારા ભરત પંડ્યાની તબિયતના સમાચાર પહોંચતાં ઘણા કાર્યકરો હોસ્પિટલ પહોંચી ગયા હતા. જો કે તેમને કોઈને મળવા નહોતા દેવાયા.
ગુજરાતમાં ટૂંકા ગાળામાં જ ભાજપના નેતાઓને ગંભીર રોગના કારણે સારવાર કરવી પડી હોય એવી આ ત્રીજી ઘટના છે. આ પહેલાં નવેમ્બરમાં ગુજરાતની વિજય રૂપાણી સરકારના રાજ્ય કક્ષાના ગૃહ અને કાયદા મંત્રી પ્રદીપસિંહ જાડેજા પર મોંના કેન્સર માટે સર્જરી કરવી પડી હતી.
પ્રદીપસિંહને અમદાવાદમાં એસ.જી હાઈવે પર આવેલી એચસીજી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. હોસ્પિટલના કેન્સર નિષ્ણાત સર્જનોની ટીમે સફળતાપૂર્વક તેમનું ઓપરેશન પાર પાડ્યું હતું.
પ્રદીપસિંહ પછી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના ઘૂંટણનું ઓપરેશન કરાયું હતું. નીતિન પટેલની ઘૂંટણ બદલવાની (ની-રિપ્લેસમેન્ટ) સર્જરી મુંબઈ સ્થિત બ્રિચ કેન્ડી હોસ્પિટલમાં કરાઈ હતી.