લોકસભા ચૂંટણીના અનુસંધાને આજે કમલમ ખાતે પ્રદેશ મીડિયા વિભાગની બેઠક મળી હતી, જેમાં રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને લોકસભા ચૂંટણી પ્રભારી ઓમજી માથુર, ભાજપા પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણી, મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, પ્રદેશ સંગઠન મહામંત્રી ભીખુભાઈ દલસાણીયા, પ્રદેશ મહામંત્રી કે સી પટેલ, પ્રદેશ ઉપાધ્યક્ષ આઈ.કે.જાડેજા, પ્રદેશ પ્રવક્તા ભરતભાઈ પંડયાએ ખાસ ઉપસ્થિત રહી મીડિયા ટીમને માર્ગદર્શન આપ્યું હતું. આ બેઠકમાં નવનિયુક્ત પ્રદેશ મીડિયા કન્વીનર પ્રશાંત વાળા દ્વારા સ્વાગત પ્રવચન કરી બેઠકની શરૂઆત કરી હતી.
આ બેઠકમાં ઓમજી માથુરે ભાજપના મીડિયા કાર્યકર્તાઓને માર્ગદર્શન આપતા જણાવ્યું હતુ કે, જુઠાણાં ફેલાવવા માટે કોંગ્રેસે સ્પેશિયલ એજન્સીઝ હાયર કરી છે, પરંતુ આપણે સૌ એના જૂઠાણાં તરફ ધ્યાન આપવાના બદલે આપણી સરકારે કરેલા સિમાચિન્હરૂપ સકારાત્મક કાર્યો જેમાં રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની અનેકવિધ વિકાસલક્ષી અને જનકલ્યાણલક્ષી યોજનાઓના સારા ફળ સમાજના છેવાડાના માનવી સુધી પહોચ્યા છે તેની વાત કરવી જોઇએ.
પ્રદેશ અધ્યક્ષ જીતુભાઇ વાઘાણીએ જણાવ્યુ હતુ કે, ગુજરાત લોકસભાની તમામ ૨૬ બેઠક ભાજપા જીતવાની છે તેમાં કોઇ શંકાને સ્થાન નથી ‘‘સૌનો સાથ સૌનો વિકાસ’’ તે સુત્ર સાથે સમાજના દરેક વર્ગને અને સમાજ માટે આપણે સર્વસ્પર્શી કાર્યો કર્યા છે અને કોંગ્રેસે માત્ર સમાજને તોડવાનું પાપ કર્યુ છે. જેને આપણી શાણી અને સમજુ જનતા સારી રીતે ઓળખે જ છે. આ માટેના અનેક ઉદાહરણો લોકો સુધી પહોંચાડવા તેઓએ અપીલ કરી હતી.
કોંગ્રેસના જુઠ્ઠાણા સામે આક્રમક રહેવું પરંતુ, શબ્દનો ઉપયોગ સંયમથી કરવા માટે પ્રદેશ પ્રવક્તા ભરતભાઇ પંડ્યાએ જણાવ્યુ હતુ. તેઓએ વધુમાં જણાવ્યું હતુ કે, શબ્દોનો ક્યારેય નાશ થતો નથી. આથી જાહેર જીવનમાં જ નહી પરંતુ જીવનમાં શબ્દોનું ખૂબ જ મહત્વ છે.