ગાંધીનગરઃ ભારતના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ બે દિવસના ગુજરાત પ્રવાસ પર આવશે. લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને અમિત શાહ ગુજરાત ભાજપના કાર્યકર્તાઓ સાથે ચર્ચા કરશે.
નોંધનીય છે કે વડાપ્રધાન મોદી પણ ચાર માર્ચથી બે દિવસના ગુજરાત પ્રવાસ પર આવી રહ્યા છે. તેઓ બે દિવસમાં અનેક કાર્યક્રમમાં હાજરી આપશે.
મળતી જાણકારી અનુસાર, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ આવતીકાલથી ગુજરાતના બે દિવસના પ્રવાસે આવી રહ્યા છે. બે દિવસના પ્રવાસ દરમિયાન અમિત શાહ, સુરત, તાપી અને અમદાવાદમાં ભાજપના કાર્યકર્તાઓ સાથે મુલાકાત કરી આગામી લોકસભા ચૂંટણીને લઇને રણનીતિ પર ચર્ચા કરશે.
આ મુલાકાત દરમિયાન ભાજપ અધ્યક્ષ અમિત શાહ ગુજરાતમાં આગામી લોકસભાની ચૂંટણીઓની તૈયારીઓની સમીક્ષા કરશે અને કાર્યકર્તાઓને ચૂંટણી લક્ષી માર્ગદર્શન આપશે.
નોઁધનીય છે કે ભાજપ ગત લોકસભાની ચૂંટણીની જેમ આ વખતની લોકસભા ચૂંટણીમાં પણ ગુજરાતમાં તમામ લોકસભા બેઠકો જીતવાનું લક્ષ્ય ધરાવે છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, ભાજપ અધ્યક્ષ અમિત શાહ ગુજરાત મુલાકાત દરમિયાન સુરતમાં સામાજિક કાર્યક્રમમા ભાગ લેશે. તે સિવાય તેઓ તાપીમા પણ ભાજપ કાર્યકર્તાઓને માર્ગદર્શન આપશે.
આ ચર્ચા દરમિયાન તેઓ ચૂંટણી જીતવાનો મંત્ર પણ આપશે. ગુજરાતના પ્રવાસ દરમિયાન અમિત શાહ ભાજપના આગેવાનો સાથે લોકસભાની ચૂંટણી તૈયારીઓની પણ સમીક્ષા કરશે.
અમિત શાહના ગુજરાત પ્રવાસના સંપૂર્ણ કાર્યક્રમની વાત કરવામાં આવે તો તેઓ આવતીકાલે સાંજે ચાર વાગ્યે અમદાવાદ આવશે. સાંજે તેઓ પોતાના અમદાવાદ ખાતેના નિવાસસ્થાન પર પરિવારના લોકો સાથે મુલાકાત કરશે. ત્યારબાદ તેઓ અનેક કાર્યક્રમમાં ભાગ લેશે.
ઉલ્લેખનીય છે કે લોકસભાની ચૂંટણીની ગણતરીનો સમય બાકી રહ્યો છે, ત્યારે ભાજપ સંપૂર્ણપણે ઇલેક્શન મોડમાં આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા છેલ્લા કેટલાક સમયથી દેશમાં જુદા જુદા સ્થળે રાષ્ટ્રીય અધ્યક્ષ અને વડા પ્રધાનની રેલીઓ યોજવામાં આવી રહી છે.