વડોદરાઃ ગુજરાતમાં ભાજપના પૂર્વાવતાર જનસંઘ અને પછી ભાજપનાં મૂળિયાં નાખવામાં મહત્વનું યોગદાન આપનારા ભાજપના અગ્રણી કિશનલાલ ગંગારામ પરનામીનું આજે શુક્રવારે નિધન થયું હતું.
વડોદરા પાસેના પાદરામાં રહેતા કિશનલાલ ગંગારામ પરનામી 90 વર્ષના હતા અને ભાજપના પાયાના પથ્થરોમાં એક હતા. કિશનલાલ ગંગારામ પરનામી ભાજપમાં સક્રિય હતા અને એક વાર વિધાનસભાની ચૂંટણી પણ લડ્યા હતા પણ હારી ગયા હતા. હાલમાં પાદરા ખાતે તેમના બે પુત્રો વિજય અને અજય પરિવાર સાથે રહે છે.
કિશનલાલ ઉર્ફે કૃષ્ણલાલ પરનામીનો જન્મ હાલમાં પાકિસ્તાનમાં આવેલા સિંધ પ્રાંતમાં થયો હતો. પરનામી બાળપણથી જ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) સાથે સંકળાયેલા હતા. દેશના ભાગલા થયા ત્યારે લાખો હિંદુ પરિવારો પાકિસ્તાન છોડીને ભારત આવી ગયા હતા. પરનામીનો પરિવાર પણ સિંધ છોડીને ભારત આવી ગયો હતો.
આઝાદી વખતે તેમનો પરિવાર જયપુર આવીને વસ્યો હતો. જયપુરમાં તેમણે કાપડનો વ્યવસાય શરૂ કર્યો હતો. જયપુરથી પછી કિશનલાલે પાદરામાં આવીને વસવાટ કર્યો હતો. પાદરામાં તેઓ ‘પરનામી’ શેઠ તરીકે જાણીતા હતા.
કૃષ્ણલાલ પરનામીએ ગુજરાતમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) અને જનસંઘ બંનેને મજબૂત કરવા વ્યાપક કામ કર્યું હતું. 1950થી પાદરામાં આવીને વસેલા પરનામીએ સંઘની શાખા પાદરામાં શરૂ કરાવી હતી.
લાલકૃષ્ણ અડવાણી, નરેન્દ્ર મોદી, કેશુભાઇ પટેલ અને અશોક સિંઘલ સાથે જનસંઘમાં કાર્ય કરનારા પરનામીએ જનસંઘનાં આંદોલનોમાં અગ્રેસર રહીને ભાગ લીધો હતો. 1975માં ઇન્દિરા ગાંધીએ લાદેલી કટોકટી વખતે તેની સામે લડવામાં પરનામી મોખરે હતા. પરનામીએ કટોકટી વખતે 18 મહિના સુધી જેલવાસ પણ ભોગવ્યો હતો.
ગુજરાતમાં ભાજપનો ઉદય થયો પછી પરનામી 1990ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પાદરા વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા પરંતુ તેઓ ચૂંટણીમાં હારી ગયા હતા.
ભાજપમાં તેઓ છેલ્લે સુધી સક્રિય રહ્યા હતા. કિશનલાલ પરનામીનું નિધન થતાં તેમના પાદરા ખાતેના નિવાસ સ્થાને ભાજપના કાર્યકરો, આગેવાનો અને સાથી મિત્રો દોડી આવ્યા હતા. ગુજરાત ભાજપના ટોચના આગેવાનોએ પરનામીને શ્રધ્ધાંજલિ આપી છે.