સંવાદદાતાઃ જન મન ઈન્ડિયા
ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાના બે દિવસના ટૂંકા ચોમાસું સત્રનો પ્રારંભ આજે મંગળવારથી થયો હતો પણ પહેલા દિવસે મહાનુભાવોને શ્રધ્ધાંજલિ આપીને ગૃહની કાર્યવાહી મોકૂફ રખાઈ હતી. પૂર્વ વડાપ્રધાન અટલબિહારી વાજપેયી ઉપરાંત બે સત્ર વચ્ચેના ગાળામાં અવસાન પામેલા વિધાનસભાના અન્ય 9 પૂર્વ સભ્યોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. ત્યાર બાદ ગૃહ મુલત્વી રાખવામાં આવ્યું હતું.
વિધાનસભાના સત્રના પહેલા દિવસે ભારત રત્ન અને પૂર્વ વડાપ્રધાન સ્વ. અટલબિહારી વાજપેયી, પૂર્વ મંત્રી સ્વ. અમરસિંહ ભૂપતસિંહ વાઘેલા, રાજ્યકક્ષાના મંત્રી સ્વ. હરીલાલ નારજી પટેલ તથા પૂર્વ ધારાસભ્યો સ્વ. શંકરદાસ રામદાસ મકવાણા, સ્વ. નારસિંહભાઈ ધનજીભાઈ પઢિયાર, સ્વ. મહંમદ હાફેજી ઈસ્માઈલ પટેલ, સ્વ. મણિભાઈ રામભાઈ રામજીભાઈ ચૌધરી, સ્વ. ઈકબાલભાઈ ઈબ્રાહિમભાઈ પટેલ, સ્વ. ગુલસિંગભાઈ રંગલાભાઈ રાઠવા અને સ્વ. અરવિંદસિંહ દામસિંહ રાઠોડને શોકાંજલિ અપાઈ હતી.
હવે આવતી કાલે બુધવારે ગૃહની બે બેઠક યોજાશે. આ બેઠકમાં પ્રશ્નોત્તરી ઉપરાંત 6 વિધેયક સરકાર દ્વારા રજૂ કરવામાં આવશે. મંજૂરી વિના ચાલતી શાળા કે પ્રશ્નપત્ર લીક થવા જેવા કિસ્સામાં સજા અને દંડની વધુ કડક જોગવાઇઓ સાથેનું માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સુધારા વિધેયક, ચેઈન સ્નેચિંગના ગુનામાં 10 વર્ષ સુધીની સજાની જોગવાઇ સાથેનું વિધેયક, જીએસટી કાઉન્સિલ દ્વારા કરાયેલા સુધારા સૂચવતું જીએસટી વિધેયક, ફ્લેટના 75 ટકા સભ્યો સંમત હોય તો રીડેવલપમેન્ટની મંજૂરી આપતું માલિકી ફ્લેટ અધિનિયમ વિધેયક, નગરપાલિકા કમિશનરની રચનાના વટહુકમને કાયદાનું સ્વરૂપ આપવા નગરપાલિકા સુધારા વિધેયક તેમજ રાજ્યમાં બાયોટેક્નોલોજી યુનિવર્સિટીની રચના માટેનું વિધેયક રજૂ થશે. આ તમામ વિધેયકો આવતી કાલે નિર્વિઘ્ને પસાર થાય તેવી શક્યતા છે.