અમદાવાદઃ ગયા વર્ષે ગુજરાતમાં થયેલા પરપ્રાંતિયો પર હુમલાઓ મામલે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ઠાકોર સેનાના વડા અને કોગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર સામે બિહારમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
બિહારના મુઝફ્ફરપુરની એસડીજેમ કોર્ટે મુખ્યમંત્રી રૂપાણી અને અલ્પેશ ઠાકોર વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવાનો આદેશ આપ્યો હતો. વિજય રૂપાણી અને અલ્પેશ ઠાકોર સામે ગુજરાતમાં પરપ્રાંતિયો પર થયેલા હુમલાઓ મામલે ફરિયાદ દાખલ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.
નોંધનીય છે કે ગુજરાતમાં પરપ્રાંતિય પર હુમલાઓ થયા હતા. આ હુમલાઓના સંદર્ભમાં કરવામાં આવેલી અરજીના જવાબમાં સબ ડિવિઝનલ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સબા આલમે આદેશ કર્યો હતો.
એક રિપોર્ટ અનુસાર, એક્ટિવિસ્ટ તમન્ના હાશમીએ કરેલી અરજીના જવાબમાં કોર્ટેના આદેશ બાદ મુઝફ્ફરપુરના કાન્ટી પોલીસ સ્ટેશનમાં રૂપાણી તેમજ અલ્પેશ ઠાકોર સામે કલમ 153, 295 અને 504 હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર, કોર્ટે આ મામલામાં જિલ્લાના કાન્ટી પોલીસ સ્ટેશનને કેસ નોધવા આદેશ કર્યો હતો. મુજફ્ફરપુરના સબ ડિવિઝનલ જુડિશલ મેજિસ્ટ્રેટ સબા આલમે આ આદેશ સામાજિક કાર્યકર્તા તમન્ના હાશમીની અરજી પર કર્યો છે.
કોર્ટે પોતાના આદેશમાં કહ્યું હતું કે, કાન્ટી પોલીસ સ્ટેશનમાં આઈપીસીની કલમ 153, 295 અને 504 પ્રમાણે કેસ કરવામાં આવે. જેમાં હિંસા ભડકાવવાનો, શાંતિ ભંગ કરવાનો અને અપમાનિત કરવાનો આરોપ હેઠળ કેસ નોંધાયો હતો.
હાશ્મીએ અરજીમાં લખ્યું હતું કે, ગુજરાતમાં રહેતા બિહારના સ્થળાંતરિત મજૂરો પર હિંસાચાર રોકવામાં મુખ્યમંત્રી રૂપાણી નિષ્ફળ નિવડ્યા છે. અને અલ્પેશ ઠાકોરના સંગઠન ઠાકોર સેના સ્થળાંતરિત મજૂરોને ગુજરાતમાંથી ભાગવા માટે મજબૂર કર્યા હતા.
ઉલ્લેખનીય છે કે ગત વર્ષે ગુજરાતમાં એક બાળકી સાથે દુષ્કર્મ પછી બિહારના લોકો પર હુમલા શરુ થયા હતા. બિહારનો લોકોને ગુજરાત છોડવાની ધમકી અપાતી હતી, જેના કારણે ઘણા બિહારીઓ ગુજરાત છોડી ચાલ્યા ગયા હતા. આ દરમિયાન આરોપ લાગ્યો હતો કે અલ્પેશ ઠાકોરના સંગઠન સાથે જોડાયેલા લોકોએ બિહારીઓ સામે હિંસા કરી છે.