મુંબઇઃ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે, પ્રધાનમંત્રી પદ આગામી બે લોકસભા ચૂંટણી માટે બુક છે. તેમણે બુધવારે એક એવોર્ડ કાર્યક્રમ દરમિયાન અભિનેતા રિતેશ દેશમુખના એક સવાલના જવાબમાં આ વાત કહી હતી. દેશમુખે તેમને પુછ્યું હતું કે મહારાષ્ટ્રથી શરદ પવાર અથવા નિતિન ગડકરીમાંથી કોણ પ્રધાનમંત્રી બની શકે છે. આ સવાલના જવાબમાં ફડણવીસે કહ્યું કે હું તમને જણાવી દઉ છું કે આ સવાલ જ ન ઉઠવો જોઇએ કારણ કે પ્રધાનમંત્રી પદ પહેલાથી જ બુક છે. ન માત્ર આ વર્ષે થનાર ચૂંટણી માટે પરંતુ 2024ની ચૂંટણી માટે પણ. જોકે મને બહુ ખુશી થશે જો મહારાષ્ટ્રથી કોઇ આ પછી પ્રધાનમંત્રી બને છે તો.
બીજો સવાલ તેમણે પૂછ્યો કે શિવસેના અને ભાજપ વચ્ચે મુખ્યમંત્રી અને ઉપમુખ્યમંત્રીના પદ માટે કરાર થયા છે જો પાર્ટીઓને મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં સમાન બેઠકો મળે તે તે આના પર દાવો કરી શકે છે. જેના જવાબમાં મુખ્યમંત્રીએ કહ્યું કે, કેટલી વસ્તુઓ ગુપ્ત રહેવી જોઇએ. તેમણે કહ્યું કે આ સમયે તમામ વસ્તુઓનો ખુલાસો ન કરી શકાય.
તેમણે એ વાતને નકારી હતી જેમાં કહેવામાં આવ્યું હતું કે પાર્ટીના કાર્યકર્તાઓ અને નેતા આ ગઠબંધનથી ખુશ નથી કારણ કે ભાજપ 288 બેઠકોથી માત્ર 144 પર ચૂંટણી લડશે. તેમણે કહ્યું કે, અમારા જૂના મિત્ર શિવસેનાની સાથે ગઠબંધન કરવું જરૂરી હતું અને વર્તમાન સ્થિતિમાં આ રાજકીય વાસ્તવિકતા છે જ્યારે તમામ બિન-કુદરતી સાથી અમારી વિરૂદ્ધ લડવા માટે એકઠા થઇ રહ્યા છે. અમારા કાર્યકર્તા આને સારી રીતે સમજે છે અને આ ગઠબંધનનું સમર્થન કરે છે.