સમતા પાર્ટીના સંસ્થાપક અને દેશના પૂર્વ રક્ષા મંત્રી જૉર્જ ફર્નાન્ડિસનું મંગળવારે સવારે 7 વાગ્યે 88 વર્ષની ઉંમરે નિધન થઈ ગયું. જૉર્જ ફર્નાન્ડિસ છેલ્લા કેટલાક દિવસોથી સ્વાઈન ફ્લૂથી પીડિત હતા અને દિલ્હીની એક હોસ્પિટલમાં ભરતી હતા.
લાંબા સમયથી બીમાર હોવાના કારણે તે સાર્વજનિક જીવનથી દૂર હતા. પોતાના લાંબા રાજનીતિક કરિયરમાં તેઓએ રક્ષા, ઉદ્યોગ મંત્રાલયની જવાબદારી સંભાળી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સહિત ઘણી મોટી હસ્તીઓએ તેમના નિધન પર દુઃખ વ્યક્ત કર્યું.
પૂર્વ રક્ષા મંત્રી જૉર્જ ફર્નાન્ડિસનું ભારતીય રાજનીતિમાં ઐતિહાસિક યોગદાન રહ્યું છે, પછી તે રક્ષા ક્ષેત્રમાં ઉઠાવેલા મોટા પગલા હોય કે પછી ઈમર્જન્સી દરમિયાન પોતાનો અવાજ ઉઠાવવાનો મુદ્દો હોય, જૉર્જ ફર્નાન્ડિસે હંમેશાથી આગળ વધીને નેતૃત્વ કર્યું.
પૂર્વ રક્ષા મંત્રી જૉર્જ ફર્નાન્ડિસની આગેવાનીમાં 1974માં થયેલી રેલવે હડતાળને સૌથી મોટી હડતાળના રૂપમાં જોવામાં આવે છે. તે દરમિયાન તે ઑલ ઈન્ડિયા રેલવેમેન ફેડરેશનના પ્રમુખ હતા, જૉર્જની આગેવાનીમાં થયેલી તે હડતાળે કેન્દ્ર સરકારની ઉંઘ ઉડાડી દીધી હતી.