અમદાવાદ: જમ્મુ-કાશ્મીરના પુલવામા જિલ્લામાં CRPFના જવાનો ઉપર આતંકી હુમલાને પગલે ગુજરાતમાં પણ હાઇએલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ગુજરાતના તમામ હાઇવે પર વાહનોની તપાસ હાથ ધરવામાં આવી રહી છે. એરપોર્ટ, એસટી સ્ટેન્ડ, રેલવે સ્ટેશનો, પવિત્ર યાત્રાધામો અને દરિયાઇ માર્ગો પર પણ કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
આતંકી હુમલાના કારણે સત્તાપક્ષ ભાજપે રાજ્યમાં પોતાના તમામ કાર્યક્રમો રદ કરી દીધા છે. પુલવામાની ઘટના બાદ ગુજરાત પ્રદેશ ભાજપનાં આજના તમામ કાર્યક્રમો રદ કરી દેવામાં આવ્યાં છે. પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ ગુજરાત ભાજપનાં તમામ કાર્યક્રમ રદ કર્યા છે જેમાં 5 લોકસભા બેઠકના 2 ક્લસ્ટર સંમેલન પણ રદ કરવામાં આવ્યાં છે.
નોંધનીય છે કે કાશ્મીરના પુલવામામાં થયેલા આતંકી હુમલામાં સીઆરપીએફના 40થી વધુ જવાનો શહીદ થયા હતા. ઉપરાંત 45થી વધુ જવાનોને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હુમલા બાદ સમગ્ર દેશમાં પાકિસ્તાન પ્રત્યે લોકોમાં ગુસ્સો છે.
તમામ લોકો સરકાર પાકિસ્તાન સાથે બદલો લે તેવી ઇચ્છા રાખી રહ્યા છે. હુમલાની જવાબદારી આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદે લીધી હતી. હુમલામાં 350 કિલો વિસ્ફોટકનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. વિસ્ફોટક ભરેલી કારને જવાનોના કાફલામાં ઘૂસાડી દેવામાં આવી હતી અને વિસ્ફોટ કરાયો હતો.
હુમલા બાદ ગુજરાતમાં પણ હાઇ એલર્ટ જાહેર કરાયું છે. IBના એલર્ટ બાદ સુરક્ષાના ભાગરૂપે ચેકિંગ શરૂ કરાયું છે. જેમાં રાજ્યભરમાં ચૂસ્ત પોલીસ બંદોબસ્ત સાથે તપાસ શરૂ કરાઇ છે. તેમજ પોલીસ, ડૉગ સ્ક્વોર્ડ, બોમ્બ સ્ક્વોર્ડ દ્ગારા તપાસ થઇ રહી છે. રેલવે સ્ટેશન, મોલ મલ્ટીપ્લેક્સ સહિત તમામ સ્થળોએ ચેકિંગ તથા પોલીસ દ્ગારા વાહનો રોકીને તપાસ હાથ ઘરાઇ છે.
રાજ્યભરનાં તમામ સંવેદનશીલ વિસ્તારોમાં પેટ્રોલીંગ વધારી દેવામાં આવ્યું છે. રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ પોતાના તમામ કાર્યક્રમો રદ કર્યા છે. તે સિવાય ભાજપે પણ રાજ્યના પોતાના તમામ કાર્યક્રમો રદ કર્યા હતા. પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ જવાનોને શ્રદ્ધાંજલિ આપી હતી અને 5 લોકસભા બેઠકના 2 ક્લસ્ટર સંમેલન પણ રદ કર્યા હતા.