નવી દિલ્હીઃ જમ્મુ કાશ્મીરના પુલવામામાં 14 ફેબ્રુઆરીએ થયેલ હુમલા બાદ ભારતે પાકિસ્તાનને ચોતરફથી ઘેરવાની તૈયારી કરી લીધી છે. પછી ભલે રાજકીય હોય કે પછી હોય સીધો આતંકવાદીઓને જડબાતોડ જવાબ. ભારત આ મુહિમનો સાથ દુનિયાના કેટલાક દેશોએ આપ્યો છે. આજે પણ સાઉદી પ્રિન્સની સાથે મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આતંકવાદના મુદ્દાને ઉઠાવી શકે છે.
દુનિયાના અનેક દેશોએ પાકિસ્તાનની ટીકા કરી છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ હુમલાને ભયાનક બતાવતા ટીકા કરી હતી.
દુનિયાના દેશોની સામે પાકિસ્તાનને બેનકાબ કરાશે
સૂત્રોના જણાવ્યા અનુસાર, ભારત આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરશે. જેના માટે ગૃહ મંત્રાલય નવો ડોઝિયર તૈયાર કરી રહ્યું છે, જેને તમામ દેશોમાં હાજર ભારતના રાજદૂતોને મોકલવામાં આવશે, જ્યાં ભારતના દૂત પાકિસ્તાનના ચેહરાને બેનકાબ કરશે. અજય બિસારિયાની સાથે થયેલ મુલાકાતમાં આ વાતના સંકેત મળી રહ્યા છે. અજય બિસારિયાએ નવી દિલ્હીમાં કેબિનેટ કમિટીના સભ્યો સાથે બેઠક કરી. પાકિસ્તાનમાં ભારતના હાઇ કમિશ્નર અજય બિસારિયા કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીના તમામ મેમ્બરને મળીને તેમની વર્તમાન પરિસ્થિતિની જાણકારી આપી છે. પ્રધાનમંત્રી સાથે તેમની મુલાકાત થઇ ચુકી છે. ભારત પાકિસ્તાનને કોઇ પુરાવા નહીં આપે, પરંતુ દુનિયાના દેશોની સામે તેને બેનકાબ કરશે. ભારતનું માનવું છે કે પાકિસ્તાન વિરૂદ્ધ તેમની પાસે તમામ પુરાવા છે.
બીજા દેશો અમારા સંપર્કમાં
ગૃહ મંત્રી રાજનાથસિંહ સાથે મુલાકાત બાદ અજય બિસારિયાએ કહ્યું કે અમારા રાજદૂત અન્ય દેશો સાથે સંપર્કમાં છે, સતત વાતચીત ચાલી રહી છે. હું વધુ કંઇ કહેવા નથી માંગતો.
આતંકવાદ વિરૂદ્ધ દુનિયા સાથે, પુલવામા હુમલા પર ન્યૂઝીલેન્ડની સંસદમાં નિંદા પ્રસ્તાવ પાસ
ન્યૂઝીલેન્ડની સંસદમાં ગુરૂવારે પુલવામા આતંકવાદી હુમલાને લઇને નિંદા પ્રસ્તાવ પાસ કરવામાં આવ્યો છે. આ જાણકારી ન્યૂઝીલેન્ડના વિદેશ મંત્રી વિંસ્ટન પીટર્સે આપી.