પાલનપુરઃ સિવિલ હોસ્પિટલના કોન્ટ્રાક્ટ બેઈઝ સફાઈ કર્મચારીઓને છૂટા કરવામાં આવ્યાં. તે છૂટા કરાયેલ સફાઈ કર્મચારીઓની જગ્યા પર નવો સ્ટાફ મુકાતા રોષે ભરાયેલા સફાઈ કર્મીઓ ધરણા પર બેસી ગયા હતા અને સિવિલ સત્તાધીશો સામે રોષ વ્યક્ત કર્યો હતો.
ત્યારે આજે ધરણા પર બેઠેલા કર્મચારીમાંથી કેટલાંકે ઝેરી દવા પી લેતા ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ ઘટના પગલે તંત્ર દોડતું થયું હતુ અને ઝેરી દવા પીનારને તાત્કાલિક સિવિલના ટ્રોમા સેન્ટરમાં સારવાર અર્થે ખસેડાયા હતા.
અનેક વખત રજૂઆત કરવા છતાં કોઈ હલ નહી
સફાઈ કર્મચારીઓ દ્રારા જણાવવામાં આવ્યું હતું તેઓ 15 વર્ષ કરતાં પણ વધારે વર્ષથી કોન્ટ્રાક્ટ પદ્ધતિથી કામ કરી રહ્યા હતા. ત્યારે અચાનક તેમને છૂટા કરી તેમની જગ્યા પર નવો સ્ટાફ મુકવામાં આવ્યો. તેમણે વધુમાં જણાવ્યું કે કોન્ટ્રાક્ટર દ્રારા પગાર પણ ઓછો આપવામાં આવતો હતો. તેઓ દ્રારા અનેક વખત રજૂઆત કરવા છતાં પણ સમસ્યાનું નિવારણ આવતું ન હતું.