નવી દિલ્હીઃ સાઉદી અરબના ક્રાઉન પ્રિંસ મોહમ્મદ બિન સલમાન આજે બે દિવસના ભારત પ્રવાસ પર આવી રહ્યા છે. તેવા સમયમાં જ્યારે ભારતમાં હાલમાં મોટો આતંકવાદી હુમલો થયો છે, તેવામાં સાઉદી પ્રિન્સનો પ્રવાસ ઘણો મહત્વનો ગણવામાં આવી રહ્યો છે. કારણ કે ભારત આવતા પહેલા તેઓ પાકિસ્તાનનો પ્રવાસ કરી ચૂક્યા છે અને સીધા ત્યાંથી તેઓ અહીં પહોંચી રહ્યા છે. આ દ્વિપક્ષીય બેઠકમાં ભારત સાઉદી પ્રિન્સની સામે આતંકવાદનો મુદ્દો ઉઠાવી શકે છે.
સાઉદી પ્રિન્સ બે દિવસ માટે ભારતમાં રહેશે, આ દરમિયાન તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે દ્વિપક્ષીય બેઠક કરશે. આ વાતચીત દરમિયાન ભારત તેની સામે પાકિસ્તાન દ્વારા હિન્દુસ્તાનની જમીન પર ફેલાવવામાં આવી રહેલ આતંકવાદનો મુદ્દો ઉઠાવી શકે છે. જેનુ તાજુ ઉદાહરણ પુલવામામાં થયેલ આતંકવાદી હુમલો છે, જેને જૈશ એ મોહમ્મદે અંજામ આપ્યો.
આ સિવાય પણ બન્ને દેશોના રક્ષાક્ષેત્ર, જ્વોઇન્ટ નેવર એક્સરસાઇઝ, વેપાર ક્ષેત્રમાં અનેક સમજૂતી થવાની છે. પીએમ મોદી સાથે મુલાકાત સિવાય ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડૂ સાથે પણ મુલાકાત કરશે.
તમને જણાવી દઇએ કે, સાઉદી પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન ભારત આવતા પહેલા પાકિસ્તાન ગયા, જ્યાં પાકિસ્તાન અને સાઉદી વચ્ચે 20 અરબ ડોલરનો કરાર થયો છે.
ઉલ્લેખનીય છે કે, સાઉદી અરબની સરકારે પુલવામા હુમલાની ટીકા કરી હતી. સાઉદીની સરકાર તરફથી ગત સપ્તાહમાં કહેવામાં આવ્યું હતું કે તેઓ આતંકવાદ અને ચરમપંથથી ભારતની લડાઇમાં તેમની સાથે છે અને કાશ્મીરના પુલવામામાં આતંકવાદી હુમલાનો તેમણે કાયરતાભર્યો હુમલો ગણાવ્યો હતો.