પણજીઃ મનોહર પર્રિકરના નિધન બાદ નવા મુખ્યમંત્રી પસંદ કરવા માટે ગોવામાં રવિવારે રાત્રે ભાજપ અને તેના સહયોગી દળોની બેઠક બોલાવવામાં આવી હતી. જો કે તેમાં મુખ્યમંત્રીના નામ પર કોઈ નિર્ણય નથી થઈ શક્યો. બેઠકમાં કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરી પણ હાજર હતા.
ભાજપ ધારાસભ્ય માઈકલ લોબોએ જણાવ્યું કે મહારાષ્ટ્રવાદી ગોમાંતક પાર્ટીના ધારાસભ્ય સુદીન ધલવીકર મુખ્યમંત્રી બનવા માંગે છે, ત્યાર બાદ ચર્ચાને વિરામ આપી દેવામાં આવ્યો. તો આ તરફ, કોંગ્રેસે સરકાર બનાવવા માટે રાજ્યપાલ સમક્ષ દાવો રજુ કર્યો છે.
ગઠબંધનનો નેતા બનશે મુખ્યમંત્રી
લોબોના જણાવ્યા પ્રમાણે- ધવલીકર પોતે મુખ્યમંત્રી બનવા માંગે છે જ્યારે ભાજપ ઈચ્છે છે કે ગઠબંધનના નેતાને મુખ્યમંત્રી હોવું જોઈએ. ભાજપ ધારાસભ્યોએ વિશ્વજીત રાણે અને પ્રમોદ સાવંતનું નામ મુખ્યમંત્રી માટે પ્રસ્તાવ કર્યો છે.
એક તરફ, ગોવા ફૉરવર્ડ પાર્ટીના પ્રમુખ વિજય સરદેસાઈએ જણાવ્યું કે ભાજપ-સહયોગી દળોની બેઠકમાં મુખ્યમંત્રીને લઈ નિર્ણય નથી થઈ શક્યો. અમારુ સમર્થન પર્રિકરજી ને હતુ, ભાજપને નહીં. હવે તેઓ નથી રહ્યા તો વિકલ્પ ખુલ્લા છે.
અમે ગોવામાં સ્થિરતા ઈચ્છીએ છીએ, અમે નથી ઈચ્છતા કે સદનને ભંગ કરવામાં આવે. અમે ભાજપના આગળના પગલાની રાહ જોઈશું. પર્રિકરના નિધન બાદ ખાલી થયેલી જગ્યા કેવી રીતે ભરાસે, આ વાતને લઈ તમામ સહયોગી દળોમાં ચિંતા છે. જીએફપીના 3 ધારાસભ્ય છે.
આશા છે કે ગડકરી નામની જાહેરાત કરશે
ધવલીકરે જણાવ્યું કે, ગડકરીએ ધારાસભ્યો સાથે અલગ-અલગ મીટિંગ અને કેટલાક સવાલો કર્યા. તે પ્રશ્નોનો ઉલ્લેખ કરવો ઉચિત નહીં હોય. અમે આશા કરી રહ્યા છીએ કે ગડકરી સોમવારે મુખ્યમંત્રી ઉમેદવારના નામની જાહેરાત કરી શકે છે. ત્યાર બાદ જ એમજીપી નક્કી કરશે કે સરકારને સમર્થન આપવું જોઈએ કે નહીં.