પત્રકાર રામચંદ્ર છત્રપતિની વર્ષ 2002માં થયેલી હત્યાના કેસમાં પંચકૂલાની સ્પેશિયલ સીબીઆઈ કોર્ટે ડેરા સચ્ચા સોદાના પ્રમુખ ગુરમીત રામ રહીમને દોષિત ઠેરવ્યા છે. ગુરમીત રામ રહીમ હત્યાનો મુખ્ય આરોપી હતો. હત્યા કેસમાં સજાની વધું સુનાવણી હવે આગામી 17મી જાન્યુઆરીએ હાથ ધરવામાં આવશે.
ડેરા સચ્ચા સોદાના પ્રમુખ ગુરમીત રામ રહીમ પર કિશનલાલ, નિર્મલ અને કુલદીપને સાથે રાખીને ષડયંત્ર રચ્યા બાદ પત્રકાર રામચંદ્ર છત્રપતિની હત્યા કરાઈ હોવાનો આરોપ સાચો સાબીત થયો છે. બાઈક પર આવેલા કુલદીપે પત્રકાર રામચંદ્રની ગોળી મારીને હત્યા કરી હતી. જેમાં તેમનું મૃત્યું થયું હતું. ઉલ્લેખનિય છે કે પત્રકાર રામચંદ્રએ રામ રહીમની કરતુતો વિશે અહેવાલ પ્રસિદ્ધ કર્યો હતો. જે બાદ રામ રહીમનો સાચો ચહેરો ઉજાગર થયો હતો.
પત્રકારની થયેલી હત્યા કેસ મામલે વર્ષ 2003માં FIR દાખલ થઈ હતી અને વર્ષ 2006માં CBIને આ કેસ સોંપવામાં આવ્યો હતો.
પંચકુલામાં સીબીઆઈની સ્પેશિયલ કોર્ટની સુરક્ષા વ્યવસ્થા મામલે ડીસીપી કમલદીપ ગોયલે જણાવ્યું હતું કે, મોટી સંખ્યામાં પોલીસદળ તૈનાત કરવામાં આવ્યા છે. કોર્ટ પરિસરમાં 500થી વધારેની સંખ્યામાં પોલીસકર્મીઓ ફરજ પર છે. અહીં બેરિકેડિંગ પણ કરી દેવામાં આવી છે.
ખુબ ચર્ચીત રામ રહિમ સાથેના જોડાએલા નિર્ણયોને કારણે હરિયાણા અને પંજાબમાં સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવવામાં આવી છે. પંચકૂલની સ્પેશિયલ સીબીઆઈ કોર્ટમાં ચાલી રહેલા આ કેસમાં આરોપી ગુરમીત રામ રહિમને વીડિયો કોન્ફરેંસિંગ દ્વારા રજુ કરવામાં આવ્યા હતાં, જ્યારે અન્ય આરોપી પ્રત્યક્ષ રૂપે કોર્ટમાં હાજર રહ્યાં હતાં. ઉલ્લેખનીય છે કે, ગુરમીત રામ રહીમ હાલ સુનારિયા જેલમાં બંધ છે.