બિહારના પટના એરપોર્ટ પર ભાજપ સમર્થકો આપસમાં જ બાખડ્યા હતા. અહીં વરિષ્ઠ ભાજપ નેતા આરકે સિન્હા અને કેન્દ્રીય કાયદા મંત્રી રવિશંકર પ્રસાદના સમર્થકોમાં ઝપાઝપી થઈ છે. પટના એરપોર્ટ પહોંચતા જ સિન્હાના સમર્થકોએ તેમને કાળા ઝંડા દેખાડતા પાછા જાઓના નારા લગાવ્યા. આ ઝડપ પાછળનું કારણ પટના સાહિબ લોકસભા સીટ પરથી ભાજપની ટિકિટ વહેંચણી છે.
હકીકતમાં, પટના સાહિબથી રવિ શંકર પ્રસાદને ટિકિટ મળી છે, જ્યારે આર કે સિન્હા પણ અહીંથી ઉમેદવારીની રેસમાં હતા. પટના સાહિબ લોકસભા સીટ પરથી ઉમેદવાર જાહેર કરાયા બાદ મંગળવારે જ્યારે પહેલીવાર રવિશંકર પ્રસાદ પટના પહોંચ્યા તો તેમનું સ્વાગત કરવા માટે હજારોની સંખ્યામાં તેમના સમર્થક ફુલ માળા સાથે પટના એરપોર્ટ પર હાજર હતા.
આ વચ્ચે અહીં અચાનક અફરા-તફરીનો માહોલ થઈ ગયો જ્યારે ભાજપ નેતા અને રાજ્યસભા સાંસદ આરકે સિન્હાના સમર્થક રવિશંકર પ્રસાદના સમર્થકોની સાથે ભીડાઈ ગયા. બંન્નેના સમર્થકો વચ્ચે મારપીટ પણ થઈ. ઘટના સ્થળ પર હાજર પોલીસને લાઠીચાર્જ પણ કરવો પડ્યો, ત્યારે જઈ લોકો શાંત થયા.