દિલ્હીની અરવિંદ કેજરીવાલ સરકાર અને ઉપરાજ્યપાલ વચ્ચે છેલ્લા ઘણા સમયથી ચાલુ જંગ પર સુપ્રીમ કોર્ટે ગુરુવારે નિર્ણય સંભળાવ્યો. સુપ્રીમ કોર્ટની બે જજોની પીઠે કુલ 6 મુદ્દાઓ પર પોતાનો નિર્ણય સંભળાવ્યો છે, પરંતુ જે મુખ્ય મુદ્દા પર દરેકની નજર હતી તે મામલો હજુ પણ લટકેલો છે. દિલ્હીમાં કેન્દ્રીય કેડરના અધિકારીઓની ટ્રાન્સફર-પોસ્ટિંગનો મુદ્દો હમણા મોટી બેંચના હવાલે કરી દેવામાં આવ્યો છે, એટલે કે તેના પર નિર્ણય આવવાનો બાકી છે.
6 મુદ્દા સાથે જોડાયેલા વિવાદ પર સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટના આ નિર્ણયથી કોના ભાગમાં શું આવ્યુ છે અને ક્યા પક્ષે બાજી મારી છે, અહીં સમજો…
1. અધિકારીઓના ટ્રાન્સફર-પોસ્ટિંગનો મામલો
સુપ્રીમ કોર્ટે પોતાના નિર્ણયમાં કહ્યું છે કે ગ્રેડ 1, ગ્રેડ 2 લેવલના અધિકારીઓનો મામલો કેન્દ્ર સરકાર પાસે અને ગ્રેડ 3, ગ્રેડ 4ના અધિકારીઓનો મામલો દિલ્હી સરકાર પાસે રહેશે. બંન્ને જજો વચ્ચે આ મામલે એક સહમતિ નથી બની શકી, એ જ કારણ છે કે આ મામલાને મોટી બેંચના હવાલે કરી દેવામાં આવ્યો છે. હવે ત્રણ જજોની બેંચ આ મામલાને સાંભળશે.
2. એન્ટી કરપ્શન બ્રાંચ
એન્ટી કરપ્શન બ્રાંચ (ACB)ના અધિકારીઓના મુદ્દે કેજરીવાલ સરકાર સતત અવાજ ઉઠાવતી રહી છે. પરંતુ આ મામલે સુપ્રીમ કોર્ટમાંથી દિલ્હી સરકારને ઝટકો લાગ્યો છે. સુપ્રીમ કોર્ટે ACBનો અધિકાર કેન્દ્ર સરકારને સોંપ્યો છે.
3. કમીશન ઑફ ઈન્ક્વાયરી
કોઈ પણ મામલે તપાસ બેસાડવાનો અધિકારી એટલે કમીશન ઑફ ઈન્ક્વાયરીનો અધિકાર પણ સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને આપ્યો છે. એટલે આ મામલે પણ દિલ્હી સરકારને મોટો ઝટકો લાગ્યો છે.
4. વિજળી સુધારનો મુદ્દો
રાજધાનીમાં ઈલેક્ટ્રિસિટી બોર્ડનો મુદ્દો પણ ઘણો મહત્વનો રહે છે, સુપ્રીમ કોર્ટે આ મામલે જોડાયેલા તમામ અધિકાર દિલ્હી સરકારને આપ્યા છે. એટલે આ બોર્ડનો ડાયરેક્ટર કોણ હશે, ક્યા અધિકારીની આ બોર્ડમાં પોસ્ટિંગ હશે, આ તમામ નિર્ણય દિલ્હી સરકાર લઈ શકશે.
5. સર્કલ રેટ કોનો?
સુપ્રીમ કોર્ટે રાજધાનીમાં જમીનનો અધિકાર ભલે કેન્દ્ર સરકારને આપ્યો હોય, પરંતુ રાજધાનીમાં સર્કલ રેટ નક્કી કરવાનો અધિકાર દિલ્હી સરકાર પાસે જ રહેશે. એટલે જમીનનો સર્કલ રેટ કેજરીવાલ સરકાર નક્કી કરશે. તદ્દપરાંત ખેડૂતોને મળનારુ વળતર તેમજ અન્ય મામલાઓનો અધિકાર પણ દિલ્હી સરકાર પાસે રહેશે.
6. સરકારી વકીલની નિયુક્તિ
કોઈ પણ મામલે જો દિલ્હી તરફથી સરકારી વકીલની નિયુક્તિ કરવાની હશે, તો તેનો અધિકાર દિલ્હી સરકાર પાસે હશે. એટલે રાજ્ય તરફથી કોઈ પણ કોર્ટમાં આગેવાની કોણ કરશે, તેના પર નિર્ણય દિલ્હી સરકાર લેશે.